કે.એલ રાહુલે કોરોના મહામારીમાં ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતા બાયો-બબલ્સના નિયમોના કારણે થતી સમસ્યાઓની પીડા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, બાયો-બબલમાં પોતાની જાતને પ્રેરિત રાખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આમાં જીવન માત્ર સૂવા, ઉઠવા અને મેદાન પર જવા પુરતું જ સીમિત થઈ જાય છે.


'ક્લબહાઉસ એપ' પર વાતચીત દરમિયાન જ્યારે કે.એલ રાહુલને બાયો-બબલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, 'શરૂઆતમાં બાયો-બબલ ઘણું સારું હતું, પરંતુ પછીથી સમસ્યાઓ શરૂ થઈ. મારી જાતને પ્રેરિત રાખવી મારા માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. મેં શરુઆતમાં બધુ મેનેજ કર્યું. આ દરમિયાન હું મારી જાતને પૂછતો રહ્યો કે હું બીજું શું કરી શકું? હું બીજે ક્યાં જઈ શકું? પછી હું પોતે આ સવાલોના જવાબ આપતો હતો કે ક્રિકેટ જ એક એવી વસ્તુ છે જેમાં હું સારો છું અને તે જ વસ્તુ છે જે મેં પસંદ કરી છે, એટલે બધું જ બરાબર છે.


કે.એલ રાહુલ કહે છે, 'છેલ્લા કેટલાક મહિના ખૂબ જ મુશ્કેલી ભર્યા હતા. જ્યારે તમારી ફેમેલી એકસાથે ન આવી શકે ત્યારે તે વધુ મુશ્કેલ બની જાય છે. બધુ બરાબર છે તેનો અનુભવ કરવા માટે તમારે તમારા પરિવાર અને તમારા મિત્રોની  જરૂર હોય છે. એક સમય એવો આવ્યો જ્યારે અમે સામાન્ય લાગવાનું બંધ કરી દીધું. અમે સૂતા, ઉઠતા અને મેદાન પર જતા. તે નિત્યક્રમ બની ગયો. તેથી જ બાયો-બબલ મુશ્કેલ બન્યો છે.


કે.એલ રાહુલે બાયો બબલની આ નકારાત્મક અસરોમાં એક ફાયદો પણ ગણાવ્યો. તેણે કહ્યું, 'બાયો બબલની એક સારી બાબત એ છે કે તેનાથી ટીમના ખેલાડીઓને એકબીજાને વધુ સારી રીતે જાણવાની તક મળે છે. હું જે ખેલાડીઓ સાથે 4-5 વર્ષથી રહ્યો છું તેમને બાયો બબલના કારણે વધુ સારી રીતે સમજી શક્યો છું. તેનાથી અમારું બોન્ડિંગ વધ્યું છે.