નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાને કહ્યું કે, ભારત ટેસ્ટમાં આ સમયે નંબર વન ટીમ છે અને તેનો શ્રેય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને સન્માનને જાય છે. ઝહીર એ ખેલાડીઓમાં સામેલ છે જેણે ગાંગુલી, ધોની અને કોહલીની (આઇપીએલમાં) કેપ્ટનશીપમાં રમી ચૂક્યા છે. ઝહીરનું માનવું છે કે કોહલી કેપ્ટન તરીકે ઘણા અંશે ગાંગુલી સાથે મેળ ખાય છે. ઝહીર ખાને કહ્યું કે, ગાંગુલીએ અમારા વિશ્વાસ અપાવ્યો હતો કે અમે વિદેશમાં જીતી શકીએ છીએ અને અમને આક્રમક ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યા હતા. ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહેતો હતો પરંતુ તેની માનસિકતા આક્રમક હતી. અમે તેમની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીત્યો એટલા માટે તેની કેપ્ટનશીપમાં રમવું સન્માનની વાત છે.

ઝહીર ખાનનું કહેવું છે કે વિરાટ ઘણા અંશે ગાંગુલીની જેમ છે. તે પોતાના નિર્ણયોમાં ખૂબ બોલ્ડ છે અને હંમેશા ટીમને પ્રેરીત કરતા રહે છે. તેનું શાનદાર બેટિંગ ફોર્મ પણ તેની કેપ્ટનશીપમાં જોવા મળે છે. હું ઇચ્છું છું કે તે એક દિવસ વર્લ્ડકપ જીતે. વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ પાસે વર્લ્ડ ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે.

ઝહીરે સાઉથ આફ્રિકા સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરિઝ અગાઉ કહ્યું કે, ભારતમાં ઝડપી બોલર બનવા માટે યોગ્ય સમય છે. તેણે બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા જેવા ખેલાડીઓને જોઇને ખુશી મળે છે કારણ કે આ લોકો સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે.