કોલકાતાઃ ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગ 347/9 પર દાવ ડિકલેર કર્યો હતો. સાહા 17 અને શમી 10 રને નોટ આઉટ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 136 રન બનાવ્યા હતા. સદી ફટકારવાની સાથે જ કોહલી ભારત તરફથી ડે નાઇટ ટેસ્ટમાં સદી મારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. ચેતેશ્વર પૂજારાએ 55 અને અજિંક્ય રહાણે 51 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી અલ અમીન હોસન અને ઇબાદત હોસને 3-3 તથા અબુ જાયેદે 2  વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તેની પ્રથમ ઈનિંગમાં 106 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હોવાથી ભારતને પ્રથમ ઈનિંગમાં 241 રનની લીડ મળી હતી.


ભારતે 58 રનમાં ગુમાવી 5 વિકેટ, લંચ પછી થયો ધબડકો

એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 289 રન હતો. જે બાદ ટીમે 347/9ના સ્કોર પર ઈનિંગ ડિકલેર કરી હતી. લંચ બ્રેક બાદ ટીમ ઈન્ડિયાનો ધબડકો શરૂ થયો હતો. લંચ પછીની પ્રથમ જ ઓવરમાં જાડેજા આઉટ થયો હતો અને બાદ કોઇપણ બેટ્સમેન ટકી શક્યો નહોતો.


આ પહેલા બીજા દિવસની રમતમાં લંચ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટના નુકસાન પર 289 રન બનાવ્યા હતા. કોહલી 130 અને જાડેજા 12 રને રમતમાં હતા. કોહલીએ ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. ઉપરાંત તે ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. રહાણે 69 બોલમાં 51 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ અને રહાણેએ ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવી હતી.


પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા. પુજારાએ 55 રન બનાવ્યા હતા અને તે ભારત તરફથી ડે નાઇટ ટેસ્ટમાં અડધી સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. રોહિત શર્મા 21 અને મયંક અગ્રવાલ 14 રને આઉટ થયા હતા.


આ પહેલા બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ 106 રનમાં જ સમેટાઇ હતી. ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો મહેમાન ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. તેમના માટે ઓપનર એસ ઇસ્લામે સર્વાધિક 29 રન કર્યા હતા. ભારત માટે ઇશાંત શર્માએ 5, ઉમેશ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. ઇશાંતે ઘરઆંગણે 12 વર્ષ પછી પાંચ વિકેટ લીધી હતી.