KXIP vs RR IPL 2020: આઈપીએલમાં શુક્રવારે કિંગેસ્ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલે અબુ ધાબીમાં રમાશે. આ સીઝનની 50મી મેચમાં જીત મેળવી કિંગ્સ ઈલેવન પંજાબ પ્લેઓફમાં સ્થાન બનાવવા કોશિશ કરશે. જ્યારે રાજસ્થાન આ મેચમાં જીત મેળવી આગળની સફર નક્કી કરવા માંગશે. પંજાબે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે જેમાં 6 મેચમાં જીત મેળવી છે. રાજસ્થાન રોયલ્સે 12 મેચ રમી છે જેમાં 5 મેચમાં જીત મેળવી છે. બંને ટીમોની કોશિશ આ મેચને જીતવાની હશે. પંજાબની ટીમ હાલ શાનદાર ફોર્મમાં છે. રાજસ્થાન રોયલ્સની ટીમે ગત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સતત પાંચ મેચ જીતી ચૂકી છે પંજાબની ટીમ

આ સીઝનની શરૂઆતમાં થોડી મુશ્કેલી બાદ પંજાબની ટીમ ફોર્મમાં છે. ટીમ સતત પાંચ મેચમાં જીત મેળવી પ્લે ઓફની રેસમાં બનેલી છે. રાજસ્થાન સામે પંજાબે કોઈપણ સંજોગોમાં જીત મેળવી પડશે. ટીમના કેપ્ટન કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, મંદીપ સિંહ, ક્રિસ ગેઈલ અને નિકોલસ પૂરન શાનદાર ફોર્મમાં છે. રાહુલ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. બોલરની વાત કરીએ તો મોહમ્મદ શમી પણ શાનદાર ફોર્મમાં છે.

ગત મેચમાં રાજસ્થાને કર્યુ હતું સારૂ પ્રદર્શન

રાજસ્થાન રોયલ્સે ગત મેચ મુંબઈ સામે રમી હતી, જેમાં ટીમને આઠ વિકેટથી જીત મળી હતી. આ જીતમાં બેન સ્ટોકનું મુખ્ય યોગદાન રહ્યું હતું. સ્ટોક્સે મુંબઈ સામે સદી લગાવી ટીમને જીત અપાવી હતી. સંજૂ સેમસન પણ ફોર્મમાં છે. બોલરમાં જોફ્રા આર્ચર અત્યાર સુધીમાં ખૂબ જ સફળ સાબિત થયો છે.