નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીનમા કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, કેપ્ટન હોવાને લીધે તેમનું ફોકસ ટીમને આગળ લઈ જવા પર રહે ચે અને આ દરમિયાન પરિણામ વિશે વધારે વિચારતા નથી હોતા કારણ કે કોઈપણ વ્યક્તિના નેતૃત્વનું આકલન હંમેશા પરિણામના આધારે ન થઈ શકે. ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં તે પાંચ મેચની ટી20 સીરીઝની સાથે પોતાના લાંબો પ્રવાસ શરૂ કરી રહી છે. ટી20 સીરીઝની શરૂઆત શુક્રવારથી ઇડન પાર્ક મેદાન પર રમાનાર મેચથી થશે.

મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું, “હું હંમેશાથી એક કામ પર ફોકસ કરું છું કે હું ટીમ માટે શું શું કરી શકું છું. મારા માટે પરિણામ મહત્ત્વનું નથી. હું ટીમને આગળ લઈ જવા માગું છું કારણ કે મારું માનવુંછે કે પરિણામ ક્યારેય કોઈ પણ નેતૃત્વની ક્ષમતાનું આકલન એ એકમાત્ર આધાર ન હોઈ શકે.”

કોહલીની આ વાતને લઈને ટીકા થતી રહી છે કે કેપ્ટન બન્યા બાદથી ભારત માટે એક પણ આઈસીસી ઈવેન્ટ જીતી નથી શક્યા. તેના જવાબમાં કોહલીએ આ વાત કહી. 31 વર્ષના કોહલીનું માનવું છે કે જ્યારે પણ કોઈ ટીમ કોઈ ટીમને હરાવે છે તો હારનારી ટીમે એક સાથે હારની જવાબદારી લેવી જોઈએ અને ભવિષ્ય માટે પોતાની રમતમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

કોહલીએ કહ્યું, “જો કોઈ ટીમ તમને હરાવે છે તો એક સાથે મળીને હારની જવાબદારી લેવી જોઈએ અને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને માત્ર ને માત્ર નેતૃત્વની નિષ્ફળતા ન માનવી જોઈએ.”

કોહલીની કેપ્ટનશીપમાં આ વર્ષે ભારત ટી20 વર્લ્ડ કપ રમશે. વિતેલા વર્ષે આયોજિત આઈસીસી 50 ઓવર વર્લ્ડકપમાં ભારત સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હારી ગયું હતું.