નવી દિલ્હીઃ ભારતીય  ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની હૈદરાબાદ ક્રિકેટ સંઘના નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. 56 વર્ષના મોહમ્મદ અઝહરુદ્દીનની ચૂંટણીમાં 147-73ની લીડ સાથે એચસીએના અધ્યક્ષ પસંદ કરાયા છે. ભારતના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ અઝહરુદ્દીને ગયા સપ્તાહમાં પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. ક્રિકેટર બાદ હવે વહીવટીતંત્રમાં આ તેમની નવી ઇનિંગ છે.

નોંધનીય છે કે બે વર્ષ અગાઉ મોહમ્મદ અઝહરુદ્દીનનું નામાંકન ચૂંટણી અધિકારી દ્ધારા રદ કરી દેવામાં આવ્યુ હતું કારણ કે તે બીસીસીઆઇ દ્ધારા મેચ ફિક્સિંગમાં પોતાની કથિત સંડોવણી માટે લગાવવામાં આવેલા પ્રતિબંધ હટ્યાના પુરાવા રજૂ કરી શક્યા નહોતા. મોહમ્મદ અઝહરુદ્દીને ભારત તરફથી 99 ટેસ્ટ અને 334 ઇન્ટરનેશનલ વન-ડે મેચ રમી છે. આ દરમિયાન ટેસ્ટમાં તેણે 6215 અને વન-ડેમાં 9378 રન બનાવ્યા હતા. તેમણે 47 ટેસ્ટ અને 174 વન-ડે મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. ડેબ્યૂ બાદ સતત ત્રણ ટેસ્ટ મેચમાં તેણે ત્રણ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

અઝહરુદ્દીન પર વર્ષ 2000માં મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઇએ તેના પર આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, આઠ નવેમ્બર 2012માં આંધ્રપ્રદેશ હાઇકોર્ટે અઝહર પર લાગેલા આજીવન પ્રતિબંધને રદ કર્યો હતો.