સાઉથ આફ્રિકા સામે આગામી ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમનું એલાન થઈ ગયું છે અને તેમાં ધોનીને સ્થાન નથી મળ્યું. કહેવાઈ રહ્યું છે કે ધોનીએ પોતે જ સીરિઝમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાને બદલે ધોનીએ 15 દિવસ કાશ્મીરમાં ભારતીય સેના સાથે ટ્રેનિંગ લીધી હતી. જો કે, હવે રિપોર્ટ પ્રમાણે, ધોની ભવિષ્ય અંગે મોટો નિર્ણય કરવાનો છે. પરંતુ આ નિર્ણય ક્રિકેટમાં તેની કોઈ નવી ઈનિંગ્સને લગતો નથી. હવે ધોની બોલિવુડમાં ડગ માંડશે તેવા અહેવાલો છે.
ધોની ફિલ્મ જગત અને કોરપોરેટ હાઉસ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યૂસર તરીકે બોલીવૂડમાં તેમની નવી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ડેક્કન ક્રોનિકલની રિપોર્ટ મુજબ ધોનીના મેનેજર અને નજીકના મિત્ર નીરજ પાંડે જણાવ્યું કે ધોનીને ફિલ્મોમાં હંમેશાથી રસ હતો અને તે ફિલ્મોના શોખીન પણ હંમેશા રહ્યા છે.
નીરજ પાંડે પોતે ધોનીના જીવન પર ફિલ્મ બનાવી ચૂક્યો છે. જેમાં સુશાંત સિંહ રાજપૂતે ધોનીનું પાત્ર ભજવ્યું હતું. આ દરમિયાન જ ધોનીને ફિલ્મ નિર્માણની બારીકાઈ જાણવાનો મોકો મળ્યો અને તેને પસંદ પણ આવ્યું. રિપોર્ટ મુજબ, ધોની ફિલ્મ બનાવવાની તક ઝડપી લેવા માગે છે. ધોની પોતાના મિત્ર અને બોલિવુડ એક્ટર જોન અબ્રાહમ સાથે મળીને પહેલા પ્રોજેક્ટ પર કામ કરી શકે છે. જો કે, આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.