નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને ઈડન ગાર્ડન મેદાન પર એક ઇનિંગ અને 46 રનથી હરાવીને ટેસ્ટ ક્રિકેટમાં એક નવી સિદ્ધી મેળવી છે. ભારતીય ટીમ વિશ્વની પ્રથમ એવી ટીમ બની ગઈ છે, જેણે સતત ચાર ટેસ્ટ ઇનિંગ અને રનથી જીતી હોય. ઐતિહાસિક પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને સીરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાને સતત બે ટેસ્ટ મેચમાં એક ઇનિંગથી હાર આપી હતી.


જ્યારે ભારતે સતત સાતમી ટેસ્ટ મેચ જીતી છે, જે ટીમનું આ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. કોલકાતા ટેસ્ટમાં ભારતને તમામ વિકેટ ફાસ્ટ બોલરોએ અપાવી હતી. આ ટેસ્ટમાં બાંગ્લાદેશની 19 વિકેટ પડી હતી, કારણ કે મહમુદુલ્લાહ ઈજાગ્રસ્ત થવાથી રિટાયર્ડ હર્ટ થયો હોવાથી રમી શક્યો ન હતો. ભારતમાં પ્રથમ વખત એવું બન્યું જ્યારે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલરોએ એક ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ ઝડપી હોય. આ પહેલા 2017માં ભારતના ફાસ્ટ બોલરોએ શ્રીલંકા વિરુદ્ધ 17 વિકેટ ઝડપી હતી.

કોલકાતા ટેસ્ટમાં જીતની સાથે જ વિરાટ કોહલી હવે સૌથી વધારે ટેસ્ટ જીતનારા કેપ્ટનની યાદીમાં પાંચમો નંબર પર પહોંચી ગયો છે. કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 33 ટેસ્ટ જીતી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથના નામે સૌથી વધારે ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં 53 ટેસ્ટ મેચ જીતી છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ (48) છે, ત્રીજા નંબર પર સ્ટીવ વૉ (41) અને ચોથા નંબર પર વેસ્ટ ઇન્ડીઝનો ક્લાઇવ લૉઇડ (36) છે.

સૌથી વધારે વખત ઇનિંગથી ટેસ્ટ જીતવામાં વિરાટ કોહલી ચોથા નંબર પર આવી ગયો છે. વિરાટની કેપ્ટનશીપ હેઠળ ભારતે 11 વખત ઇનિંગથી જીત મેળવી છે. આ મામલે ગ્રીમ સ્મિથના નામે રેકોર્ડ છે. સ્મીથે 22 વખત ઇનિંગથી મેચ જીતી છે. સ્મીથ પછી સ્ટીવ વૉ (14) અને પીટર (12)નું નામ આવે છે.