વેલિંગ્ટનઃન્યૂઝિલેન્ડ સામેની અંતિમ અને પાંચમી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાનો પાંચમી વન-ડેમાં 35 રને વિજય થયો છે. આ વિજય સાથે ટીમ ઇન્ડિયાએ પાંચ વન-ડે મેચની સીરિઝમાં 4-1થી લીધી હતી. વેલિંગ્ટનમાં ભારતે ન્યૂઝિલેન્ડને હરાવીને 52 વર્ષમાં પ્રથમવાર આ દેશમાં કોઇ સીરિઝમાં ચાર મેચ જીતી છે જે ટીમ ઇન્ડિયાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ટીમ ઇન્ડિયા તરફથી અંબાતી રાયડુએ શાનદાર 90 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 49.5 ઓવરમાં 252 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 44.1 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.પાંચમી વિકેટ માટે વિજય શંકર અને રાયડુએ 98 રનની ભાગીદારી નોંધાવી હતી.

253 રનનો પીછો કરતા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમ તરફથી સૌથી વધુ જેમ્સ નિશામે 44 રન બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 4 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી હતી. કેપ્ટન કેન વિલિયમ્સને 37 રન બનાવ્યા હતા. તે સિવાય ટોમ લાથમે 49 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 37 રનનું યોગદાન આપ્યું હતું.

ટીમ ઇન્ડિયા 49.5 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી.  ભારત તરફથી અંબાતી રાયડૂએ શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી ફટકારી (90) હતી. અંબાતિ રાયડૂએ પાંચમી વિકેટ માટે વિજય શંકર સાથે 98 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. વિજય શંકર 45  રન, હાર્દિક પંડ્યા 45 રન અને કેદાર જાધવે 34 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે મેટ હેનરી એ ચાર વિકેટ અને ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ફક્ત 18 રનમાં ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી છે. રોહિત શર્મા 2, શિખર ધવન 6, શુભમન ગિલ સાત અને ધોની એક રન બનાવી આઉટ થયા હતા.આ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની વાપસી થઇ હતી. ધોની છેલ્લી બે મેચમાં ઇજાને કારણે રમી શક્યો નહોતો. દિનેશ કાર્તિકને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. તે સિવાય ભારતે બે ફેરફાર કર્યા છે. કુલદીપ યાદવ અને ખલીલ અહમદના સ્થાન પર વિજય શંકર અને મોહમ્મદ શમીને અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.