નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે રમત પૂરી થતાં ભારતે પાંચ વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા. કેપ્ટન કોહલી પ્રથમ ઇનિંગમાં માત્ર 2 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કનરાર કીવીના ફાસ્ટ બોલર કાઇલ જેમીસનનો ભોગ બન્યા. વરસાદના કારણે 55 ઓવરની રમત જ શક્ય બની હતી. ભારતનો ધબડકો થવા માટેનું કારણ હતું ન્યૂઝીલેન્ડનો 6 ફૂટ 8 ઇંચનો ફાસ્ટ બોલર કાઇલ જેમીસન જેણે આ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂં કર્યું છે.


પ્રથમ દિવસે ભારતની પાંચ વિકેટ પડી હતી જેમાંથી ત્રણ વિકેટ જેમીસને ઝડપી હતી. તેણે વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારીને આઉટ કર્યા હતા.



જેમીસન આ મેચમાં 12મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. તેણે ઓવરના ત્રીજા જ બોલે પૂજારાને 11 રને આઉટ કર્યો હતો. બીજી ઓવરમાં વિરાટ કોહલી (2) ને આઉટ કરી સનસનાટી મચાવી હતી. બીજા સ્પેલમાં તેણે હનુમા વિહારીને 7 રને આઉટ કર્યો હતો. આ પહેલા જેમીસને ભારત સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું જેમાં તેણને 2 મેચમાં 3 વિકેટ ઝડપી હતી.

મેચના પ્રથમ દિવસે ભારતનો ધબડકો થયા બાદ મયંક અગ્રવાલે 34 રન અને અજિંક્ય રહાણેએ અણનમ 38 રન ફટકારી કાંઈક અંશે પ્રતિકાર કર્યો હતો. રિષભ પંત 10 રને રમતમાં છે. જેમીસને 3 વિકેટ, જ્યારે સાઉથી અને બોલ્ટે 1-1 વિકેટ ઝડપી હતી.

ઇનિંગ બાદ જેમીસને કહ્યું કે, મને વિશ્વાસ નથી થઈ હ્યો. છેલ્લા કેટલાક સપ્તાહ સપના જેવા રહ્યા છે. હું મારા અને  ટીમ માટે ખૂબ જ ખુશ છું. તેણે કહ્યું, ‘કોહલી સારો બેટ્સમેન છે અને ભારત માટે મહત્ત્વપૂર્ણ પણ. તેની વિકેટ લેવી એ મોટી ઉપલબ્ધી હતી. શરૂઆતમાં જ બે વિકેટ લેવી ખાસ હતી.’