Paris Olympics 2024: ભારતીય હૉકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા પેરિસ ઓલિમ્પિક 2024માં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પરંતુ આ પહેલા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ખેલાડી અમિત રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તે હવે સેમિફાઈનલમાં રમતો જોવા નહીં મળે. અમિત એક ઉત્તમ ડિફેન્ડર છે. ટીમમાં તેની ગેરહાજરીને કારણે ટીમનું ડિફેન્સ નબળું પડી શકે છે.
ઇન્ટરનેશનલ હૉકી ફેડરેશન (એફઆઇએચ) દ્વારા રોહિદાસ પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ અંગે હૉકી ઈન્ડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે કહ્યું છે કે તે આ નિર્ણય સામે અપીલ કરશે. સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં જર્મની અને આર્જેન્ટીનાની વિજેતા ટીમો સાથે થશે. આ મેચ 6 ઓગસ્ટે રમાશે.
વાસ્તવમાં આ આખો મામલો ક્વાર્ટર ફાઇનલથી જ શરૂ થયો હતો. જ્યારે આ મેચની 17મી મિનિટે અમિતને રેડ કાર્ડ મળ્યું હતું. આ કાર્ડના કારણે તેના પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. આ રેડ કાર્ડનો મુદ્દો પણ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે, જેના વિશે હૉકી ઈન્ડિયાએ પણ ફરિયાદ કરી છે.
અમિતને બીજા ક્વાર્ટરમાં રેડ કાર્ડ મળ્યું
મેચનો બીજો ક્વાર્ટર વિવાદોથી ભરેલો રહ્યો હતો. ભારતીય ખેલાડી અમિત રોહિદાસને રમતની 17મી મિનિટે રેડ કાર્ડ મળ્યું હતું. એટલે કે બાકીની 43 મિનિટ સુધી ભારતીય ટીમ 10 ખેલાડીઓ સાથે રમી. અમિતની સ્ટીક વિલ કેલનના ચહેરા પર વાગી હતી.
આવી સ્થિતિમાં જર્મન વીડિયો અમ્પાયરે માન્યું કે અમિતે જાણી જોઈને આવું કર્યું છે. આવી સ્થિતિમાં વીડિયો અમ્પાયરની સલાહ પર મેદાન પરના અમ્પાયરે અમિતને રેડ કાર્ડ બતાવ્યુ હતું. ભારતીય ખેલાડીઓ માનતા હતા કે આવું જાણી જોઈને નથી થયું. જો વીડિયો અમ્પાયરે યલો કાર્ડ આપ્યું હોત તો તે વધુ યોગ્ય હતું.
મેચ ડ્રો થયા બાદ શૂટઆઉટમાં હાર
ભારતીય હૉકી ટીમે રેડ કાર્ડ છતાં જોરદાર વાપસી કરી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહે રમતની 22મી મિનિટે ગોલ કરીને ભારતને ગ્રેટ બ્રિટન સામે 1-0થી આગળ કર્યું હતું. જોકે, 27મી મિનિટે લી મોર્ટને ગોલ કરીને ગ્રેટ બ્રિટને ટૂંક સમયમાં બરાબરી કરી લીધી હતી.
આ પછી બાકીના બે ક્વાર્ટરમાં કોઈ ગોલ થયો ન હતો અને મેચ શૂટઆઉટમાં ગઇ હતી. આ મેચમાં શ્રીજેશે ઘણા બચાવ કર્યા હતા. અંતે ભારતીય ટીમે શૂટઆઉટમાં 4-2થી મેચ જીતી લીધી હતી.