India Medal Tally Standings, Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 12મો દિવસ છે. ભારત માટે આજનો  દિવસ સારો નથી રહ્યો.  ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે મેડલ આવ્યા છે. ભારત મેડલ ટેલીમાં 63માં ક્રમે છે. અમેરિકા 24 ગોલ્ડ, 27 સિલ્વર અને 20  બ્રોન્ઝ એમ 71  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 32 ગોલ્ડ, 21 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 69 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 19 ગોલ્ડ, 6 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ મળી કુલ 36 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.


ટોક્યો ઓલિમ્પિકના 12મા દિવસે આજે કુસ્તીબાજ સોનમ મલિકની હાર થઈ છે. જોકે, હજુ તેને બ્રોન્ઝ મેડલ માટે રમવાની તક મળી શકે છે.  જો મંગોલિયન કુસ્તીબાજ ફાઇનલમાં પહોંચે તો સોનમને રિપેચેજ રાઉન્ડ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળી શકે છે. આજે સોનમ મલિક ફ્રી સ્ટાઇલ 62 કિલો વજન વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. તેને મંગોલિયન કુસ્તીબાજ બોલોરતુયા ખુરેલખુએ હરાવી. 


19 વર્ષની સોનમ મેચની શરૂઆતમાં આગળ ચાલી રહી હતી. જોકે, બોલોરતુયાએ ફરી વાપસી કરીને સ્કોર 2-2 પર સરભર કર્યો. મંગોલિયન કુસ્તીબાજને 2 ટેકનિકલ પોઈન્ટ મળ્યા હતા. છેલ્લી થોડી સેકન્ડમાં પોઈન્ટ સ્કોર કરવાના આધારે અને એકસાથે વધુ પોઈન્ટ સ્કોર કરવાના આધારે તેણે જીત મેળવી હતી.


ટોક્યો ઓલિમ્પિક્સના 12મા દિવસે બેલ્જિયમે પુરુષોની હોકી સેમી-ફાઇનલમાં ભારતને 5-2થી હરાવ્યું છે. બેલ્જિયમે છેલ્લા ક્વાર્ટરમાં 3 ગોલ કર્યા અને ભારતનો સફાયો કરીને લીડ મેળવી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. ભારતે પહેલા ક્વાર્ટરમાં 2-1ની લીડ મેળવી હતી, જે બીજા ક્વાર્ટરમાં ગુમાવી હતી. 


ભારતની અન્નુ રાની જેવલિન થ્રોના ફાઇનલ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે. તે ક્વોલિફિકેશન માર્ક 63 મીટર પણ પાર કરી શકી નથી. ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા 7 ઓગસ્ટના રોજ તેની પ્રથમ ઇવેન્ટ રમશે.