ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. સોમવારે જર્મનીએ 2-0થી હાર આપી હતી. રાની રામપાલની અધ્યક્ષતા હેઠળની ટીમે સતત પ્રયત્નો કર્યા પણ સફળતા મેળવી શકી નહીં. આ પહેલા તેને વિશ્વની નંબર -1 ટીમ નેધરલેન્ડ્સ સામે 1-5થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
જર્મનીએ શરૂઆતના ક્વાર્ટરમાં જ લીડ લીધી હતી જ્યારે જ્યારે 12 મી મિનિટમાં નાઇક લોરેન્ઝે પેનલ્ટી કોર્નર પરથી ગોલ કર્યો હતો. જો કે, શરૂઆતની છઠ્ઠી મિનિટે ભારતીય ટીમે કોશિશ કરી અને સર્કલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી નહી. પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં, જર્મનીએ લીડ જાળવી રાખી હતી. બીજા ક્વાર્ટરમાં બંને ટીમોએ સતત પ્રયત્નો કર્યા પણ સફળતા મેળવી શકી નહીં. હાફ સમય સુધીમાં સ્કોર 1-0થી જર્મનીની તરફેણમાં હતો.
ત્રીજા ક્વાર્ટરમાં જર્મનીએ ફરી એકવાર દબાવ બનાવ્યો અને બીજો ગોલ કરીને સ્કોર 2-0 કરી દિધો હતો. એને સ્ક્રોડરે મેચની 35 મી મિનિટમાં જર્મનીનો બીજો ગોલ કર્યો. અગાઉ, ભારતને 32 મી મિનિટમાં પ્રથમ પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પરંતુ તે ગોલમાં રૂપાંતરિત ન કરી શક્યા. રાનીએ વીડિયો રેફરલ માટે કહ્યું જેના પછી ગુરજિત કૌર પેનલ્ટી સ્ટ્રોક પર પણ ગોલ ન કરી શકી.
ટેબલ ટેનિસમાં ભારતની આશા શરત કમલ પર
અચંતા શરત કમલ શરુઆતમાં પાછળ રહ્યા બાદ સારી વાપસી કરતા ટોક્યો ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ પ્રતિયોગિતામાં આજે પુરુષ સિંગલના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પરંતુ મહિલા સિંગલમાં મનિકા બત્રા અને સુતિર્થા મુખર્જી હારીને બહાર થઈ ગઈ છે. શરત કમલ 49 મિનિટ સુધી ચાલેલી મેચમાં પુર્તગાલના ટિગાયો અપોલોનિયા પર 4-2 (2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9) થી જીત મેળવી છે. ટેબલ ટેનિસમાં ભારતની આશા શરત કમલ પર છે. પરંતુ તેમણે મંગળવારે ત્રીજા રાઉન્ડમાં ચીનના હાલના ચેમ્પિયન મા લાંગના પડકારનો સામનો કરવો પડશે. લાંગ હાલ વિશ્વ ચેમ્પિયન છે.
ભારત મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે ?
ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 38માં ક્રમે છે. ચીન 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળી કુલ 17 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે અમેરિકા 7 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ એમ 14 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. જાપાન 7 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ એમ મળી કુલ 12 મેડલ સાથે ત્રીજા ક્રમે છે.
ત્રીજો દિવસ નિરાશાજનક
ઓલિમ્પિક રમતોત્સવનો ચોજો દિવસ છે. ભારત માટે દિવસ નિરાશાજનક રહ્યો છે. આજે ઘણી રમતોમાં નિરાશા મળ્યા બાદ ભારતીય ફેન્સની વધુ એક ઉમ્મીદ તૂટી ગઈ છે. ટેબલ ટેનિસના વિમન્સ સિંગરના ત્રીજા રાઉન્ડમાં મનિકા બત્રા ઓસ્ટ્રિયાની સોફિયા પોલકાનોવા સાથે સીધા સેટમાં 8-11, 2-11, 5-11, 7-11થી હારી ગઈ છે.