ટોક્યો પેરાલિમ્પિકમાં ((Tokyo Paralympics)) ભારત માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. ભારતે આજે એક પણ મેડલ જીત્યો નહોતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 10 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસનું ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
ભારત માટે ટોક્યો પેરાલિમ્પિકમાં આજનો દિવસ ખરાબ રહ્યો હતો. બેડમિન્ટનમાં મિક્સ્ડ ઇવેન્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઇવેન્ટમાં ભારતના પલક કોહલી અને પ્રમોદ ભગતની જોડી પોતાની પ્રથમ મેચમાં કોર્ટ પર ઉતરી હતી. આ જોડીને SL3 SU5 ગ્રુપ-બીની મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ફ્રાન્સના લુકાસ માજુર અને ફાઉસ્ટીન નોએલની જોડીએ ભારતીય જોડીને 21-9, 15-21, 21-19 થી હાર આપી હતી. પૈરા સ્વિમર સુયશ જાધવ પુરુષોની 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક એસબી7 ફાઇનલમાં નિયમોના ઉલ્લંઘન કારણે ડિસક્વોલિફાય થયો હતો.
પૈરા સ્વિમર જાધવને નિયમ 11.4.1નું પાલન નહી કરવા બદલ ડિસક્વોલિફાય કરાયો હતો. નિયમ અનુસાર સ્પર્ધાની શરૂઆત પર પ્રથમ બ્રેસ્ટસ્ટ્રોક કિક અગાઉ અને પ્રત્યેક લેપ પર પાછા ફરતા સમયે ફક્ત એક બટરફ્લાય કિકની મંજૂરી હોય છે પરંતુ જાધવે એક કરતા વધુ ફ્લાય કિક મારી હતી. જાધવ હવે આગામી શુક્રવારે 50 મીટર બટરફ્લાય એસ7 સ્પર્ધામાં ભાગ લેશે.મેન્સ ક્લબ થ્રો એફ51 ઇવેન્ટમાં પણ ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે 34મા નંબર પર છે. મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 68 ગોલ્ડ, 43 સિલ્વર અને 36 બ્રોન્ઝ મેડલ સાથે 147 મેડલ જીત્યા છે. બીજા નંબર પર રશિયન પેરાલિમ્પિક કમિટી છે તેણે 32 ગોલ્ડ મેડલ, 20 સિલ્વર મેડલ અને 37 બ્રોન્ઝ મેડલ સાથે 89 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર ગ્રેટ બ્રિટન છે. જેણે 30 ગોલ્ડ મેડલ,24 સિલ્વર મેડલ અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.