India Medal Tally, Paralympic 2020: ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારત માટે આજનો દિવસ ખૂબ ખાસ રહ્યો હતો.  આજે ભારતે ત્રણ મેડલ જીત્યા હતા જેમાં બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.  ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતને પ્રથમ સિલ્વર મેડલ ગુજરાતની ભાવિના પટેલે અપાવ્યો હતો. ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચી દીધો હતો. ભારત તરફથી ટેબલ ટેનિસમાં પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની ગઈ હતી. ભાવિના પાસે ગોલ્ડ જીતવાનો મોકો હતો પરંતુ ફાઈનલમાં ચીનની યિંગે તેને હાર આપી હતી.






 


ભારતને બીજો સિલ્વર મેડલ હાઇ જમ્પર નિષાદ કુમારે અપાવ્યો હતો. નિષાદે 2.06 મીટરનો હાઇ જમ્પ લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. નિષાદે મેડલ જીતવાની સાથે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. નિષાદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું. તેનો મુકાબલો અમેરિકાના બે એથલિટ સાથે હતો.






તે સિવાસ ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના વિનોદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા દેશને વધુ એક મેડલ અપાવ્યો છે. વિનોદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક 2020માં શાનદાર પ્રદર્શન કરી ઇતિહાસ રચી દીધો છે અને ડિસ્ક્સ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.વિનોદ કુમારે ડિસ્ક્સ થ્રોના F52 કેટેગરીમાં 19.98 મીટરના થ્રો સાથે એશિયન રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વિનોદ કુમારે પોતાના છઠ્ઠા પ્રયાસમાં 17.46 મીટરનો થ્રો સાથે શરૂઆત કરી હતી. બાદમાં તેમણે 18.32 મીટર, 17.80 મીટર, 19.20 મીટર, 19.91 મીટર, અને 19.81 મીટરના થ્રો કર્યા હતા.






ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સાથે 45મા નંબર પર છે. મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 46 ગોલ્ડ, 29 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ સાથે 104 મેડલ જીત્યા છે. બીજા નંબર પર ગ્રેટ બ્રિટન છે તેણે 23 ગોલ્ડ મેડલ, 19 સિલ્વર મેડલ અને 18 બ્રોન્ઝ મેડલ સાથે 60 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર અમેરિકા રહ્યું હતું. તેણે કુલ 40 મેડલ જીત્યા હતા જેમાં 15 ગોલ્ડ, 16 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.