Tokyo Paralympics 2020: ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીએ પોતાનો દમ બતાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યુ છે. આ ખેલાડીનુ નામ છે ભાવિના પટેલ, ભાવિના પટેલે ટેલબ ટેનિસમાં આ મેડલ જીત્યુ છે. ભાવિનાએ ઇતિહાસ રચતાની સાથે જ તેના સગ્રમ દેશની સાથે સાથે તેના ગામ સૂંઢિયા ગામમાં પણ જોરદાર ઉજવણી થઇ હતી.


ભાવિના પટેલ મૂળ મહેસાણા જિલ્લાની વતની છે, અને હાલ અમદાવાદમાં રહે છે. ભાવિના મહેસાણાના વડનગર તાલુકાના સૂંઢિયા ગામમાં ભાવિનાની સિદ્ધિના કારણે ઉત્સાહનો માહોલ છવાયો છે. સૂંઢિયા ગામમાં ભાવિના પટેલની જીતથી દિવાળી જેવો માહોલ થઇ ગયો હતો, અને ઠેર ઠેર ફટાકડા ફોડીને ઉજવણી અને લોકોએ એકબીજાને મીઠાઇ ખવડાવી હતી. 


ભાવિના પટેલની ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વરની જીતની ખુશીમાં સૂંઢિયા ગામના તેમના પિતા હસમુખભાઈ તેમજ માતા નિરંજનાબેન ગદગદિત બની ગયાં હતાં, અને સેમિફાઈનલમાં પુત્રીના ભવ્ય વિજયના સમાચાર જાણી તેમની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડયાં હતાં. પોતાની પુત્રીના ટેબલ ટેનિશ કૌશલ્યને નિહાળવા માટે પરિણામ જાહેર થયું ત્યાં સુધી તેઓ ટેલિવિઝન સેટ સામે ગોઠવાયેલા રહ્યા હતા. ગામનું ગૌરવ વધારનાર દીકરીની રમત જોવા માટે આવી જ હાલત અન્ય ગ્રામજનોની પણ હતી. સેમિફાઈનલમાં વિજય મળ્યાના સમાચાર મળતાંની સાથે સૂંઢિયા ગામ ઘેલું બન્યું હતું અને ગામના ચોકમાં ફટાકડા ફૂટયા હતા. શનિવારે સવારે 10:00 કલાકે ગામમાં દીપોત્સવીનો માહોલ છવાયો હતો, ગામ આખું હિલોળે ચઢયું હતું અને ભાવિનાનાં માતા-પિતાને અભિનંદન આપવા ગ્રામજનો તેમના ઘેર ઉમટી પડયાં હતાં. 


ઉલ્લેખનીય છે કે, ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભાવિનાએ સિલ્વર મેડલ જીતીને પેરાલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે, ભાવિના ટેબલ ટેનિસમાં પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ખેલાડી બની ગઇ છે. ભાવિના પાસે ગૉલ્ડ જીતવાનો મોકો હતો જોકે, ચીનની યિંગે તેને સીધી ગેમમાં માત આપી દીધી હતી. 19 મિનીટ સુધી ચાલેલી આ મેચમાં ભાવિના પટેલ વર્લ્ડ નંબર વન યિંગને જબરદસ્ત ટક્કર આપવામાં સફળ ના થઇ શકી. યિંગે પહેલી જ ગેમમાં ભાવિના પટેલ પર દબાણ બનાવી લીધુ હતુ. યિંગે પહેલી ગેમ 11-7થી પોતાના નામે કરી. બીજા ગેમમાં તે યિંગનુ પ્રદર્શન વધુ શાનદાર રહ્યું અને તેને બીજી ગેમ 11-5 થી પોતાના નામે કર્યુ. ત્રીજી ગેમની શરૂઆતમાં ભાવિનાએ વાપસી કરવાની કોશિશ કરી પરંતુ યિંગે ત્રીજી ગેમમાં પણ 11-6થી જીતીને બતાવી દીધી કે તે કેમ દુનિયાની નંબર વન ખેલાડી છે.