નવી દિલ્હીઃ ઘરેઆંગણે સ્કોટલેન્ડ વિરૂદ્ધ વનડે મેચ રમી રહેલ ઓમાનની ટીમ માટે મંગળવારનો દિવસ સારો ન રહ્યો. તેની સમગ્ર ટીમ મહેમાન ટીમ સામે માત્ર 24 રનમાં આઉટ થઈ ગઈ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચમાં આ ચોથો સૌથી ઓછો સ્કોર છે. આ મેચ ઓમાનના અલ અમીરાતમાં રમવામાં આવ્યો હતો. આઈસીસીએ આ સીરીઝને વનડે ઇન્ટરનેશનલનો દરજ્જો નથી આપ્યો માટે આ મેચની ગણતરી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં થશે.




ઓમાનની ટીમ 17.1 ઓવર જ રમી શકી હતી. તેના 10 બેટ્સમેનો ફક્ત 6 રન જ બનાવી શક્યા હતા. ખવર અલીએ સૌથી વધારે 15 રન બનાવ્યા હતા. ખવર અલી પછી સૌથી વધારે રનનો ફાળો એક્સ્ટ્રા (3 વાઇડ)નો રહ્યો હતો. ઓમાનના બે બેટ્સમેનોએ 2-2 રન બનાવ્યા હતા. જ્યારે 6 બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા હતા. સ્કોટલેન્ડના સ્મિથ અને નીલે 4-4 વિકેટ ઝડપી હતી. જ્યારે ઇવાંસે 2 વિકેટ પોતાના નામે કરી હતી.



25 રનના ટાર્ગેટ સામે સ્કોટલેન્ડની ટીમે વિના વિકેટે ફક્ત 3.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં ઓમાનના 24 રન સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝની અંડર-19ની ટીમ 18 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.