પાકિસ્તાન અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ શુક્રવારે લોર્ડ્સમાં ટકરાશે. મેચમાં પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ ટોસ હારી ગયો અને બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરશે તો તેની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે! પાકિસ્તાન પાસે સેમી ફાઈનલમાં પહોંચવાની તક છે. પરંતુ તેના માટે પાકિસ્તાને વર્લ્ડ રેકોર્ડ બનાવવો પડશે જેની સંભાવના ખૂબ જ ઓછી છે.
પાકિસ્તાન જો સૌથી પહેલા બેટિંગ કરીને 400 રન બનાવે અને વિરોધી ટીમ બાંગ્લાદેશને માત્ર 84 રનમાં ઓલ આઉટ કરી દે તો પાકિસ્તાન 316 રને જીત નોંધાવીને પોતાની રન રેટ ન્યૂઝીલેન્ડ કરતાં સારી બનાવી શકે છે. જોકે વનડેમાં સૌથી મોટા અંતરે જીત મેળવાવનો વર્લ્ડ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. તેણે આયરલેન્ડને 290 રને વર્ષ 2008માં હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડને 403 રનનો ટાર્ગેટ રાખ્યો હતો અને આયરલેન્ડ માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાન પાસે બીજો વિકલ્પ એ છે કે ટીમ 350 રન બનાવે અને બાંગ્લાદેશને માત્ર 32 રનમાં ઓલઆઉટ કરી દે જેથી ટીમ 312 રનના માર્જિનથી જીત મેળવે. પરંતુ વનડે ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરને વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો 2003માં કેનેડાની ટીમ શ્રીલંકા વિરૂદ્ધ માત્ર 36 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.