નવી દિલ્હીઃ ભલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબધો ખરાબ હોય પણ ક્રિકેટના મેદાન પર બંને એકબીજા સામે શ્રેણી ના રમી રહ્યા હોય પણ સાત સમંદર પાર ઓસ્ટ્રેલિયામાં ભારતીય પ્રશંસક અને પાકિસ્તાની ખેલાડીઓનો એક વીડિયો વાયરલ થયો છે જેણે બંને દેશના લોકોનો દિલ જીતી લીધા છે. રવિવારે બિગ બેશ લીગમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રુઉફે હોબાર્ટ હરીકેન્સ સામે 5 વિકેટ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. મુકાબલા પછી હારિસે એક ભારતીય પ્રશંસકને ખાસ ભેટ આપી હતી.


મેચ પછી રાઉફે પોતાનો બોલ ભારતના રહેવાસી એક સિક્યોરિટી ગાર્ડને આપ્યો હતો. જે રાઉફને મળીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. મેન ઓફ ધ મેચ બનેલા રાઉફે કહ્યું કે,’મેં પોતાનો બોલ સિક્યોરિટી ગાર્ડને આપ્યો. જે ભારતનો હતો. જ્યારે હું મેદાનમાં આવ્યો તો મેં તેને કહ્યું કે હું પાકિસ્તાનમાંથી આવ્યો છું. આ પછી તે ભાવુક થઈ ગયો અને મને ગળે લગાવ્યો હતો.’ આ મુકાબલામાં માર્ક્સ સ્ટોયનિસ (81)ની અડધી સદીની મદદથી મેલબર્ન સ્ટાર્સે 4 વિકેટ પર 163 રન બનાવ્યા હતાં. જે પછી હોબર્ટ હરિકેન્સની ટીમ 16 ઓવરમાં 111 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.


હારિસ રાઉફ જોકે, અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નથી ઉતર્યો પરંતુ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં તેણે દરેકનું ધ્યાન ખેંચ્યુ હતું. હારિસ રુઉફ ક્રિકેટમાં રમતા પહેલા તે એક દુકાનમાં કામ કરતો હતો. આ પછી ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ પ્રમાણે તેને પાકિસ્તાન સુપર લીગની ટીમ લાહોર કલંદર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 20 ટી20 મેચ રમી છે. જેમાં શાનદાર પ્રદર્શન કરતાં કુલ 26 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તે 3 ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી ચૂક્યો છે.