નવી દિલ્હીઃ પાકિસ્તાનનો મોહમ્મદ હસનૈન ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર બની ગયો છે. તેણે શનિવારે શ્રીલંકા સામે લાહોર ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 મેચમાં ભનુકા રાજપક્ષે (32), દાસુન શનાકા (17) અને શેશન જયસૂર્યા (2)ને આઉટ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. હસનૈન અગાઉ અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાન ટી-20 ઇન્ટરનેશનલમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર હતો. રાશિદે 20  વર્ષ 5 મહિના 10 દિવસની ઉંમરમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.


19 વર્ષ 183 દિવસના આ યુવા ઝડપી બોલરનું પ્રદર્શન તેમની ટીમને જીત અપાવી શક્યું નહોતું. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ પર 165 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન ટીમ ફક્ત 101 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી.

હસનૈન પોતાની બીજી જ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી રહ્યો હતો. તેણે ચાર ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હસનૈને 16મી ઓવરમાં અંતિમ બોલ પર રાજપક્ષેની વિકેટ લીધી હતી. બાદમાં 19મી ઓવરના પ્રથમ બે બોલ પર તેણે વિકેટ ઝડપી હતી. જ્યારે ટી-20 ઇન્ટરનેશનલમાં હેટ્રિક લેનાર હસનૈન પાકિસ્તાનનો બીજો બોલર છે. આ અગાઉ ફહીમ અશરફે ઓક્ટોબર 2017માં શ્રીલંકા વિરુદ્ધ હેટ્રિક ઝડપી હતી.