Paralympics: ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી નિથ્યા શ્રી સિવને સોમવારે 2 સપ્ટેમ્બરના રોજ પેરિસ પેરાલિમ્પિક 2024માં SH6 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નિથ્યાએ લા ચેપેલ એરિના કોર્ટ 3માં ઈન્ડોનેશિયાની રીના માર્લિનાને 21-14, 21-6થી હરાવી હતી. SH6 શ્રેણી એ એથ્લેટ્સ માટે છે જેઓ કદમાં નાના છે.






નોંધનીય છે કે નિથ્યાએ શરૂઆતથી જ મેચમાં લીડ લીધી હતી. તેણે પ્રથમ ગેમમાં 7-0ની સરસાઈ મેળવી હતી, પરંતુ ઈન્ડોનેશિયાની રીના માર્લિનાએ પણ જોરદાર વાપસી કરીને સ્કોર 10-10 કરી દીધો હતો. જો કે આ પછી નિથ્યાએ માર્લિનાને કોઈ તક આપી ન હતી અને 13 મિનિટમાં પ્રથમ ગેમ જીતી લીધી હતી. બીજી ગેમમાં પણ નિથ્યાએ માર્લિના પર પ્રભુત્વ જમાવ્યું હતું અને શાનદાર શરૂઆત સાથે 10-2ની જોરદાર લીડ મેળવી હતી અને આસાનીથી જીત મેળવીને મેડલ સુરક્ષિત કર્યો હતો.


નિથ્યા SH6 કેટેગરીમાં વિશ્વની નંબર વન છે


તમિલનાડુના હોસુરમાં જન્મેલી નિથ્યા હાલમાં મહિલા સિંગલ્સ SH6 કેટેગરીમાં વિશ્વની નંબર વન છે. નિથ્યાએ શરૂઆતમાં ક્રિકેટમાં રસ હતો. જો કે, તેણીએ 2016 માં રિયો ઓલિમ્પિક જોતી વખતે બેડમિન્ટન પ્રત્યેનો પોતાનો જુસ્સો શોધ્યો અને લિન ડેનની ફેન બની ગઇ હતી.


તેણે સ્થાનિક એકેડમીમાં બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું. શરૂઆતમાં આર્થિક સંકડામણને કારણે તે અઠવાડિયામાં માત્ર બે વાર જ ટ્રેનિંગ માટે જતી હતી. તેણીના સમર્પણ અને પ્રતિભાએ તેણીના કોચને નિયમિત પ્રેક્ટિસની ભલામણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને આખરે તે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા ગૌરવ ખન્નાના માર્ગદર્શન હેઠળ લખનઉમાં પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી હતી.


 આ સાથે ભારતે એક જ દિવસમાં મેડલ ટેલીમાં 15 સ્થાનની છલાંગ લગાવી છે અને 15માં સ્થાને આવી ગયું છે. ભારતે સોમવારે 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા.


ભારત હવે પેરાલિમ્પિકમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન તરફ આગળ વધી રહ્યું છે. ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં અત્યાર સુધીમાં 3 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં ટોપ-15માં સામેલ છે. ભારતીય ટીમે ત્રણ વર્ષ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા.     


Paralympics 2024: ભારતે રચ્યો ઇતિહાસ, એક જ દિવસમાં જીત્યા આઠ મેડલ, બે ગોલ્ડ પણ સામેલ