નવી દિલ્હીઃ ફિફા વર્લ્ડકપમાં ગ્રુપ-બીની મેચમાં પોર્ટુગલ સામે મોરક્કોની 1-0થી હાર થઇ છે. મોરક્કો આ હાર સાથે વર્લ્ડકપમાં બહાર થઇ ગઇ છે. મોરક્કોના શાનદાર પ્રયાસો છતાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગોલની મદદથી પોર્ટુગલે મોરક્કો સામે 1-0થી જીત મેળવી હતી. પોર્ટુગલ બે મેચમાં ચાર અંક મેળવ્યા હતા અને તે ગ્રુપ બીમાં ટોચના સ્થાને પહોંચી ગઇ છે.
પોર્ટુગલની પ્રથમ મેચ સ્પેન વિરુદ્ધ 3-3થી ડ્રો રહી હતી. પોર્ટુગલની જીતમાં રોનાલ્ડોનો મહત્વની ભૂમિકા રહી હતી. મેચમાં પોર્ટુગલના કેપ્ટન રોનાલ્ડોએ મેચની ચોથી મિનિટમાં ગોલ કર્યો હતો. 31મી મિનિટમાં મોરક્કોના ડિરારે ફાઉલ કર્યો હતો. ત્યારબાદ રેફરીએ પોર્ટુગલને ફ્રી કિક આપી હતી. જોકે, રોનાલ્ડો આ તકને ગોલમાં બદલી શક્યો નહોતો. તે 83મા મિનિટમાં પણ ફ્રી કિકને ગોલમાં ફેરવી શક્યો નહોતો. બીજી તરફ પોર્ટુગલના રફાએલે 66મી મિનિટમાં ફાઉલ કર્યો હતો ત્યારબાદ રેફરીએ મોરક્કોને ફ્રી કિક આપી હતી પરંતુ જિયાચ તેને ગોલમાં ફેરવી શક્યો નહોતો.