મુંબઈ:  ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે  મેચ બાદ  રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના ખેલાડી યુજવેન્દ્ર ચહલને ટ્રોલ કર્યો હતો. રોહિત શર્માએ ટ્વિટર પર ચહલની એક શર્ટલેસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં યુજવેન્દ્ર ચહલની  છાતી પર ટેટુ જોવા મળી રહ્યું છે. યુજવેન્દ્ર ચહલ, ભારત અને ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં ટીમમાં તો સામેલ હતો પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નહોતી મળી.


યુજવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયાના સૌથી મસ્તીખોર ખેલાડીઓમાંથી એક છે. તે સાથી ખેલાડીઓ સાથે મજાક કરતો જોવા મળે છે. પરંતુ રોહિત શર્માએ ચહલની જે તસવીર શેર કરી તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

રોહિત શર્માએ ટ્વીટર પર તસવીર શેર કરી જેમાં એક બાજુ ધ રોક છે જ્યારે બીજી બાજુ યુજવેન્દ્ર ચહલની શર્ટલેસ તસવીર છે. બંનેની છાતી પર ટેટુ છે. ડ્વેન જોનસન ધ રોક નામથી લોકપ્રિય છે. ચહલે ધ રોક જેવું જ ટેટુ કરાવ્યું છે.

રોહિતની આ પોસ્ટને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. કેટલાક યૂઝર્સે કહ્યું કે ડ્વેન જ્હોનસન અને યુજવેન્દ્ર ચહલ વચ્ચે હવે કુશ્તીનો એક મુકાબલો પણ થવો જોઈએ. જો કે કેટલાક લોકો યુજવેન્દ્રના પક્ષમાં જોવા મળી રહ્યાં છે.