નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીરે ટ્વિટર પર લખ્યું છે કે હું સામાન્ય રીતે ક્રિકેટમાં લોકો વિશે વાત કરતો નથી પણ તૈના કૌશલને જોઈને મને એ વાત જાણીને આનંદ થયો કે સંજૂ સેમસન વર્તમાનમાં ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન છે. મારા માટે વર્લ્ડ કપમાં નંબર 4 ઉપર બેટિંગ કરી શકે છે.

વર્લ્ડ કપમાં ચોથા નંબરનો બેટિંગ ક્રમ બીસીસીઆઈ અને કેપ્ટન વિરાટ કોહલી માટે ઘણા સમયથી ચિંતાનો વિષય છે. આ નંબરે અત્યાર સુધી અંબાતી રાયડુ, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, વિજય શંકર અને રિષભ પંતને અજમાવ્યા છે પણ હજુ સુધી કોઈ નામ ફાઇનલ થયું નથી. આવા સમયે જો સેમસન આઈપીએલમાં શાનદાર પ્રદર્શન જારી રાખશે તો તેના માટે વર્લ્ડ કપના દરવાજા ખુલી શકે છે.


શુક્રવારે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન સંજૂ સેમસને 55 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે 102 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ સાથે તેણે ટીમ ઇન્ડિયામાં વાપસીનો દાવો પણ ઠોકી દીધો છે. આઈપીએલ-2019માં પ્રથમ સદી ફટકારનાર આ ખેલાડીને લઈને ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઓપનર ગૌતમ ગંભીરે મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે.


ગૌતમ ગંભીર થોડા દિવસો પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયો છે.