નવી દિલ્હીઃ મેચ ફિક્સિંગ બદલ આઈપીએલમાં સાત વર્ષની સજા ભોગવી રહેલા ક્રિકેટર એસ શ્રીસંતે ભાજપમાં જોડાવાનું કહ્યું છે. શ્રીસંતે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા શશી થરૂરને હરાવવા માટે તે 2024 માં ભાજપના ટિકિટ પર તિરુવનંતપુરમ બેઠક પરથી ચૂંટણી લડશે.

કેરળની આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની બાજ નજર છે. આ બેઠક પર શશિ થરૂર ત્રણ વાર સાંસદ તરીકે ચૂંટાયા છે. થરૂર વર્ષ 2014માં મોદી લહેરની વચ્ચે હારની નજીક પહોંચી ગયા હતા તેમ છતાં 10 હજાર મતથી તેમની જીત થઈ હતી. જોકે, વર્ષ 2019માં તાજેતરમાંજ થયેલી ચૂંટણીમાં તેમની જીત 1 લાખ જેટલા મતોથી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગને કારણે બીસીસીઆઈની શિસ્ત સમિતિ દ્વારા શ્રીસંતને આજીવન પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ગયા મહિને જ, બીસીસીઆઈએ શ્રીસંત પરનો પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષ કર્યો હતો. તેમના પરનો પ્રતિબંધ ઓગસ્ટ 2020 માં સમાપ્ત થશે.

એસ શ્રીસંતે કહ્યું કે હું શશી થરૂરનો મોટો ચાહક છું. તે એક જ વ્યક્તિ છે જે મને સમજે છે અને તેમણે મુશ્કેલ સમયમાં મારો ટેકો આપ્યો હતો, પરંતુ હું તેમને તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં હરાવીશ. સુપ્રીમ કોર્ટે 15 માર્ચે ફાસ્ટ બોલર પર લાદવામાં આવેલી આજીવન પ્રતિબંધને સમાપ્ત કર્યો હતો.