જોહાનિસબર્ગ વન-ડેઃ સાઉથ આફ્રિકાની 5 વિકેટથી જીત, શ્રેણી જીતવા ભારતે એક મેચ જીતવી જરૂરી
જાહોનિસબર્ગઃ અત્રેના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ પર 290 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યજમાન સાઉથ આફ્રિકાની ટીમે સંગીન પ્રારંભ કર્યો હતો. 7.2 ઓવરના અંતે ભારતને પ્રથમ સફળતા મળી ત્યારે આફ્રિકાનો સ્કોર 43 રન હતો. કેપ્ટન માર્કરમ 22 રન બનાવી બુમરાહની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. જે બાદ વરસાદ આવતાં મેચ અટકાવવામાં આવી હતી. વરસાદ અટક્યા બાદ આફ્રિકાને ડકવર્થ લુઇસ નિયમ મુજબ 28 ઓવરમાં 202 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેને યજમાન ટીમે 25.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી હતો. આ સાથે જ પિંક વન ડેમાં સાઉથ આફ્રિકા નહીં હારવાનો રેકોર્ડ પણ જળવાઈ રહેવા પામ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત શર્મા 5 રન બનાવી રબાડાની ઓવરમાં કોટ એન્ડ કેચ આઉટ થયા બાદ કેપ્ટન કોહલી અને શિખર ધવને 158 રનની પાર્ટનરશિપ કરી હતી. કોહલી 75 રને ક્રિસ મોરિસનો શિકાર બન્યો હતો. ભારતનો સ્કોર 34.2 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 200 રન પહોંચ્યો ત્યારે ખરાબ હવામાનના કારણે મેચ અટકાવવી પડી હતી. મેચ પુનઃ શરૂ થયા બાદ શિખર ધવન 109 રને મોર્કેલની ઓવરમાં આઉટ થયો હતો. ધવને તેની ઇનિંગમાં 10 ફોર અને 2 સિક્સ મારી હતી. જે બાદ રહાણે પણ એન્ગિડીની ઓવરમાં 8 રને આઉટ થયો હતો. શ્રેયસ ઐય્યર તેને મળેલા મોકાનો લાભ ઉઠાવી શક્યો નહોતો અને માત્ર 18 રન જ બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યાએ માત્ર 9 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરમાં ભુવનેશ્વર કુમાર 5 રન બનાવી રન આઉટ થયો હતો. ધોની 42 રને અણનમ રહ્યો હતો.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 289 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને 109 અને કેપ્ટન વિરાટ કોહલીએ 75 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 158 રનની પાર્ટનરશિપ થઇ હતી. આ પછી ધોનીને બાદ કરતાં ભારતનો કોઇ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. સાઉથ આફ્રિકા વતી રબાડા-એન્ગિડીએ 2-2 તથા મોરિસ-મોર્કેલને 1-1 સફળતા મળી હતી.
યજમાન સાઉથ આફ્રિકાને દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સના પુનરાગમનથી રાહત થઈ છે. ડી વિલિયર્સ ઇજાના કારણે શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં રમી શક્યો ન હતો. ડી વિલિયર્સ સ્પિનને સારી રીતે રમે છે, તે ન હોવાથી ભારતીય સ્પિનર આફ્રિકાની ટીમ ઉપર ઘણા હાવી થઈ ગયા હતા. આ બે બોલરે ત્રણ મેચમાં અત્યાર સુધી 21 વિકેટો ઝડપી છે. ઝોંડોના સ્થાને ડી વિલિયર્સ અને ઇમરાન તાહિરના બદલે મોર્કેલને યજમાન ટીમમાં સમાવેશ કરાયો છે.
આજની મેચમાં સાઉથ આફ્રિકા તેના ગ્રીન ડ્રેસના બદલે પિંક ડ્રેસમાં રમી રહ્યું છે. બ્રેસ્ટ કેન્સર પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સાઉથ આફ્રિકાની ટીમ 2012-13ની સિઝનથી દર વર્ષે એક મેચ પિંક ડ્રેસમાં રમે છે. ત્યારથી તે આવી પાંચ મેચ રમ્યું છે અને પાંચેય મેચમાં જીત મેળવી છે. 2013માં બીજી મેચમાં ટીમ ઇન્ડિયાને પણ હાર મળી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -