નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં નિરાશાનજક પ્રદર્શન બાદ શ્રીલંકાની ક્રિકેટ ટીમે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની જીત સાથે શરૂઆત કરી છે. શ્રીલંકાએ વર્લ્ડકપ રનર અપ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હાર આપી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે. ન્યૂઝીલેન્ડે ટેસ્ટ મેચ જીતવા આપેલા 268 રનના લક્ષ્યાંકને શ્રીલંકાની ટીમે 86.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ 122 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


શ્રીલંકાએ પાંચમા દિવસે શનિવારે તેના સ્કોર 133/0થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ઓપનિંગ બેટ્સમેને કરૂણારત્ને અને લાહિરુ થિરિમાને પ્રથમ વિકેટ માટે 161 રનની પાર્ટનરશિપ કરી હતી. ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યૂઝે એક છેડો સંભાળી રાખ્યો હતો અને સામે છેડેથી યજમાન ટીમના કેપ્ટને ટેસ્ટ કરિયરની 9મી સદી ફટકારી હતી. જ્યારે ચોથી ઈનિંગમાં તે પ્રથમ વખત સદી ફટકારી શક્યો હતો.



મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 249 રનમાં ઓલઆઉટ થઈ હતી. રોસ ટેલરે 86 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરથી અકિલા ધનંજયએ 5 અને સુરંગા લકમલે 4 વિકેટ લીધી હતી. ડિકવેલાના 61, મેથ્યુઝના  50 અને કુસલ મેન્ડીસના 53 રનની મદદથી શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 267 રન બનાવી 18 રનની લીડ લીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે 5, ટ્રેન્ટ બોલ્ટે 2 તથા વિલિયમ સોમરવિલેએ 3 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગમાં વાટલિંગના 77 રનની મદદથી 285 રન બનાવ્યા હતા.