નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં યોજાનારા વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન સામે નહીં રમીને ભારતીય ટીમ હારી જશે તેને બદલે ભારતે આ કટ્ટર હરીફ સામે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધ તોડીને તેમને નુકસાન કરવું જોઇએ તેમ ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે અભિપ્રાય આપ્યો હતો. ગયા સપ્તાહે પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાનનો વિરોધ વધી રહ્યો છે તેમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજનસિંઘે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધ તોડી નાખવાની હાકલ કર્યા બાદ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ વિવાદમાં પડી છે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16મી જૂને માંચેસ્ટરમાં મેચ રમાનારી છે.




ગાવસકરે કહ્યું કે, દ્વિપક્ષીય સિરીઝ ન રમવાથી પાકિસ્તાનને નુકસાન થાય છે પરંતુ વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં બે પોઇન્ટ આપવાથી ભારતને જ નુકસાન થશે. જો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવાનો નિર્ણય કરે તો કોણ જીતશે? પાકિસ્તાન. પાકિસ્તાનને બે પોઇન્ટ મળી જશે. આપણે વર્લ્ડ કપમાં તેને દરેક વખતે પરાજય આપ્યો છે. આથી પાકિસ્તાન સાથે મેચ રમી તેને પરાજય આપવો જોઈએ. જેથી તે સેમિફાઇનલ સુધી ન પહોંચી શકે. ગાવસકરે કહ્યું કે, હું જાણું છું કે, પાકિસ્તાન સામે ન રમીને પણ ભારત આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરવામાં સક્ષમ છે.



પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરાય તેવી ચર્ચાએ જોર પકડયું છે ત્યારે સુનીલ ગાવસકરે આ અંગે કહ્યું કે, બીસીસીઆઈ પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તેવું થશે નહીં, કારણ કે આ માટે બીજા સભ્ય દેશોની પણ મંજૂરી જરૂરી છે. ગાવસકરે કહ્યું કે, મને નથી લાગતું કે, અન્ય સભ્ય દેશો પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરવાની મંજૂરી નહીં આપે. તેમ છતાં ભારત પાકિસ્તાનને વર્લ્ડ કપમાં રમતું રોકવા પ્રયાસ કરી શકે છે.