Syed Mushtaq Ali Trophy: ઘરેલુ ટૂર્નામેન્ટ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં આ વખતે ઘણાબધા બૉલરોએ ચોંકાવનારી સિદ્ધિઓ હાંસલ કરી છે, કેટલાકના બૉલિંગ સ્પેલથી નવા રેકોર્ડ પણ સર્જાયા છે. ગૃપ સ્ટેજ મેચોમાં વેંકેટેશ અય્યર, અક્ષય કારનેવરની રેકોર્ડ બૉલિંગ બાદ આ લિસ્ટમાં હવે એક નવા બૉલરે સનસની એન્ટ્રી કરી છે. આ ક્રિકેટરનુ નામ છે દર્શન નાલકંડે. દર્શન નાલકંડે વિદર્ભ તરફથી રમી રહ્યો છે. 


દર્શન ફાસ્ટ બૉલર છે અને તેને સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીની સેમિ ફાઇનલમાં એવો ચમત્કારિક બૉલિંગ સ્પેલ ફેંક્યો કે હવે દિગ્ગજોની લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. દર્શને કર્ણાટકની વિરુદ્ધમાં રમાયેલી મેચમાં પોતાની છેલ્લી બૉલિંગના છેલ્લા ચાર બૉલમાં ચાર વિકેટો ઝડપી. આ રીતનુ કારનામુ અત્યાર સુધી ટી20 ક્રિકેટમાં લસિથ મલિંગા, રાશિદ ખાન અને કર્ટિસ ફેકર જેવા બૉલરો જ કરી શક્યા છે, આ લોકો જ ચાર બૉલમાં ચાર વિકેટો ઝડપી ચૂક્યા છે. 


દર્શને આ ચમત્કાર ત્યારે બતાવ્યો જ્યારે કર્ણાટક એક મોટા સ્કૉર તરફ આગળ વધી રહ્યું હતુ. કર્ણાટક 19 ઓવરમાં 3 વિકેટે 175 રન બનાવી ચૂક્યુ હતુ. ઇનિંગની છેલ્લી ઓવર ફેંકવા માટે દર્શન નલકંડે આવ્યો, દર્શને તેના બીજા બૉલ પર અનિરુદ્ધ જોશી, ત્રીજા બૉલ પર શરથ બીઆર, ચોથા બૉલ પર જગદીશ સુચિત અને પાંચવા બૉલ પર અભિનવ મનોહરને આઉટ કરીને કર્ણાટકની ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી, જોકે, દર્શનની ચમત્કારિક બૉલિંગ બાદ પણ વિદર્ભ આ મેચ 4 રનથી હારી ગઇ હતી. 


 






વેંકેટેશ અય્યરે પણ નાંખ્યો હતો ચમત્કારિક સ્પેલ-
સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં મધ્યપ્રદેશ તરફથી રમી રહેલા કેકેઆરના ઓલરાઉન્ડર વેંકેટેશ અય્યરે એક જાદુઇ સ્પેલ ફેંક્યો હતો, બિહાર વિરુદ્ધ વેંકેટેશે કસાયેલી બૉલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 2 રન આપીને 2 ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા હતા.