સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બુધવારે કેરળની ટીમ તરફથી રમી રહેલા મોહમ્મદ અઝહરુદ્દીને મુંબઈ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અઝહરુદ્દીને 37 બોલ પર આક્રમક બેટિંગ કરતા સદી નોંધાવી હતી અને એક રેકોર્ડ બનાવી દીધો છે. પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ આ ઈનિંગની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટ કરીને અઝહરુદ્દીનના ખૂબ વખાણ કર્યા.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની આ બીજી સૌથી ફાસ્ટ સદી છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી સદી મારવાનો રેકોર્ડ ભારતીય વિકેટકીપર રિષભ પંતના નામે છે. પંતે વર્ષ 2018માં 32 બોલમાં સદી નોંધાવી હતી. મુંબઈ વિરુદ્ધ રમાયેલી આ ઈનિંગમાં અઝહરુદ્દીને 54 બોલમાં 137 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 9 ફોર અને 11 ગગનચુંબી સિક્સ ફટકારી હતી. પોતાની ટીમને સિક્સ ફટકારીને જીત અપાવી હતી.


આ વિસ્ફોટક ઈનિંગ બાદ વિરેન્દ્ર સેહવાગે પણ અઝહરુદ્દીનની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટ કરીને કે, “વાહ અઝહરુદ્દીન શાનદાર. મુંબઈ વિરુદ્ધ કરેલું આ પ્રદર્શન અસાધારણ છે. 54 બોલ પર 137 રન બનાવવું અને મેચને આ અંદાજમાં પૂરી કરવી. તમારી આ ઈનિંગનો મે ભરપૂર લૂત્ફ ઉઠાવ્યો છે.”