નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને પહેલીવાર ખિતાબ પોતાના નામે કર્યો છે. ઓસ્ટ્રેલિયા ટીમ ટી20 ફોર્મેટમાં 14 વર્ષમાં પહેલીવાર ચેમ્પિયન બન્યુ છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા તરફથી બે ખેલાડીઓ જીતના હીરો રહ્યાં, એક મિશેલ માર્શ અને બીજો ડેવિડ વોર્નર. આ બન્ને ખેલાડીએ ન્યૂઝીલેન્ડના હાથમાં મેચની બાજી ઝૂંટવી લીધી હતી. મેચ બાદ મેન ઓફ ધ મેચનો ઓવર્ડ મિશેલ માર્શ અને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ ધાકડ બેટ્સમેન ડેવિડ વોર્નરને આપવામાં આવ્યો હતો. હવે આને લઇને પાકિસ્તાની ખેલાડીઓમાં ગુસ્સો ઉભરાયો છે.
ફાઇનલ બાદ જ્યારે ડેવિડ વોર્નરને પ્લેય ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો તો પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તર ગુસ્સામાં આવી ગયો હતો અને તેને સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની ભડાશ કાઢી હતી.
શોએબ અખ્તરે કહ્યું કે, ડેવિડ વૉર્નરને નહીં પરંતુ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન તથા ઓપનર બેટ્સમેન બાબર આઝમને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ મળવો જોઇતો હતો. તેને અન્યાય કરવાનો આરોપ પણ લગાવ્યો. જ્યારે ફાઇનલ મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ડેવિડ વૉર્નરને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો, તો શોએબ અખ્તરે તરત જ ટ્વીટ કર્યું- તેને લખ્યું- હું ઉત્સુક હતો કે બાબર આઝમને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવશે. એકદમ ખરાબ ફેંસલો લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડેવિડ વૉર્નરે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021માં 289 રન બનાવ્યા છે, જ્યારે બાબર આઝમ આ ટૂર્નામેન્ટમાં 303 રન બનાવીને પહેલા નંબર પર રહ્યો છે. જોકે ડેવિડ વૉર્નરે અંતિમ ત્રણેય મેચોમાં દમદાર બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડિઝ સામે 89 રન, પાકિસ્તાન સામે 49 રન અને ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મેચમાં 53 રનની ટીમ માટે ઉપયોગી ઇનિંગ રમી હતી.