નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં 7 વિકેટની વિજય થયો છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની ટી20 સીરીઝમાં બરાબરી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 159 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ભારતે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી હતી. અને ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો.
રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા ટી20માં પોતાની 16મી અડધી સદી નોંધાવી હતી. આ મેચ દરમિયાન 35 રન બનાવતાની સાથે જ રોહિત શર્મા ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ 84 ઇનિગ્સમાં 2288 રન બનાવીને ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન બનાવી માર્ટિન ગુપ્ટિલને પછાડી દીધો છે.
ભારત તરફથી રિષભ પંતે 40 અને શિખર ધવને 30 રન બનાવ્યા હતા. જ્યારે કૃણાલ પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાએ પોતાની પહેલી ઓવરમાં કોલીન મુનરો અને ડેરેલ મિચેલને આઉટ કરી ટીમ ઇન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. જ્યારે ખલીલે અહમદે 2 અને ભુવેનશ્વર અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.
ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્રાન્ડહોમે સર્વાધિક 50 રન બનાવ્યા હતા. જ્યારે રોઝ ટેલરે 42 રન બનાવ્યા હતા.
ટીમ ઇન્ડિયા : કેપ્ટન રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, વિજય શંકર, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ