નવી દિલ્હીઃ હોકી વર્લ્ડકપ અગાઉ ભારતીય પુરુષ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના માનવા પ્રમાણે, ટીમ ઇન્ડિયાના મહત્વના ખેલાડી એસવી સુનીલ ઇજાને કારણે ટુનામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. એશિયન ચેમ્પિયન ટ્રોફી અગાઉ ભુવનેશ્વરમાં નેશનલ કેમ્પ આયોજીત કર્યો હતો. આ દરમિયાન સુનીલના ડાબા પગમાં ઇજા પહોંચી હતી. એશિયન ચેમ્પિયન ટ્રોફીથી સુનીલને આરામ આપવામાં આવ્યો હતો. ઓમાનમાં યોજાનારા એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમ મલેશિયા, પાકિસ્તાન, સાઉથ કોરિયા , જાપાન અને યજમાન ટીમ ઓમાનનો સામનો કરશે.
સૂત્રોના મતે સુનીલને સલાહ આપવામાં આવી છે કે તે નવા ટર્ફ, જ્યાં થોડી સ્લીપિંગ હોય ત્યાં વધુ દોડે નહીં પરંતુ ટ્રેનિંગ દરમિયાન સ્પ્રિન્ટના અંતમાં એક રિવર્સ હિટ લેવામાં તેના ઘૂંટણ ટર્ફ પર જઇ ટકરાયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો. આ પ્રકારે તેના માટે વર્લ્ડ કપ અભિયાન શરૂ થયા અગાઉ ખત્મ થઇ ગયું છે. તેને સારવાર માટે દિલ્હીમાં મોકલવવામાં આવ્યો છે પરંતુ આશા ઓછી છે કે તે જલદી ફિટ થઇ શકે. કર્ણાટકના આ ફોરવર્ડે ભારત માટે અત્યાર સુધીમાં 200થી વધુ ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. હોકી વર્લ્ડકપનો પ્રારંભ 28 નવેમ્બરના રોજ થઇ રહ્યો છે.