ચેન્નઈઃ જી પેરિયાસ્વામીની ઘાતન બોલિંગની મદદથી ચૈપર સુપર ગિલીઝના ડિંડીગુલ ડ્રેગન્સને 12 રને હરાવીને તમિલનાડુ પ્રીમિયર લીગના ખિતાબ પર કબ્જો જમાવ્યો છે. ભારતના લસિથ મલિંગા તરીકે ઓળખાતા પેરિયાસ્વામીએ અંતિમ ઓવરમાં ચમત્કારિક બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી પોતાની ટીમે ખિતાબ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોટ્સને વિજેતા ટીમને પુરસ્કૃત કરી.

ડિંડીગુલ ડ્રેગન્સને અંતિમ ઓવરમાં જીત માટે 15 રન જોઈતા હતા પણ પેરિયાસ્વામીએ માત્ર બે રન આપ્યા અને ત્રણ વિકેટો ઝડપી. તેણે 18મી ઓવરમાં પણ શાનદાર બોલિંગ કરતા 6 જ રન આપ્યા હતા. ત્યારે ડિંડીગુલને 18 બોલમાં 29 રન બનાવવાના હતા. ચૈપક ટીમે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 126 રન બનાવ્યા હતા જેના જવાબમાં ડિંડીગુલ 9 વિકેટે 114 રન જ બનાવી શકી. પેરિયાસ્વામીને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. તે લીગનો સર્વશ્રેષ્ઠ પ્લેયર પણ બન્યો. તેણે 9 મેચોમાં સૌથી વધુ 21 વિકેટો ઝડપી અને લીગનો સૌથી સફળ બોલર રહ્યો.


પેરિયાસ્વામીની બોલિંગ એક્શન તદ્દન શ્રીલંકન દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગા જેવી છે અને તે યોર્કરમાં પણ મલિંગા અને બુમરાહ જેવો સટીક છે. ચેપક ટીમનો કોચ હેમાંગ બદાણી કહે છે કે, પેરિયાસ્વામી ગરીબ પરિવારથી આવે છે. તેનું આટલું સારું પ્રદર્શન જોઈને ખુશી થઈ.