નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પહેલા ઇંગ્લેન્ડની પીચોની સ્થિતિને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. છેલ્લાં ઘણાં સમયથી અહીં મોટા મોટા સ્કોર થયા છે. સાથે સાથે પિચોએ પોતાનું ઘાતક રૂપ પણ બતાવ્યું છે. ગુરુવારે એક ખેલાડીના હેલ્મેટ પર બોલ વાગ્યો તો બધા ચોંકી ગયા હતા અને બધી ટીમો પોતાના ખેલાડીઓની ફિટનેસને લઈને ચિંતિત થઈ ગયા. શુક્રવારે તો એક પછી એક ચાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા. કોઈ નેટ્સમાં ટ્રેનિંગ દરમિયાન તો કોઈ પ્રેક્ટિસ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન. આ બધામાં ભારતીય ફેન્સ માટે સૌથી ખરાબ સમાચાર આવ્યા છે. આવો જાણીએ ક્યા ક્યા ખેલાડી ઈજાગ્રસ્ત થયા.

ઈયોન મોર્ગન (કેપ્ટન, ઇંગ્લેન્ડ): ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ અપ મેચમાં મોર્ગનને હાથની ટચલી આંગળીમાં ઈજા થઈ ગઈ છે. બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનો એક્સ-રે કરવામાં આવ્યો હતો.



અવિષ્કા ફર્નાન્ડો (શ્રીલંકા): શ્રીલંકાઅને દક્ષિણ આફ્રીકાની વચ્ચે શુક્રવારે પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. આ મેચમાં ફીલ્ડિંગ કરી રહેલ અવિષ્કા ફર્નાન્ડો ફાફ ડુ પ્લેસિસનો એક શોટને રોકવા ગયા ત્યારે ઘાયલ થઈ ગયા. બાદમાં તેમને તરત જ સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યા. તેમના પગનું સ્કેન કરવામાં આવ્યું છે. હાલમાં ઈજા સામાન્ય હોવાની વાત કહેવામાં આવી રહી છે.

શિખર ધવન (ભારત): ભારતના ઓપનર બેટ્સમેન શિખર ધવન જ્યારે નેટ્સ પર બેટિંગ કરી રહ્યા હતા ત્યારે કોચ સંજય બાંગર દ્વારા ફેંકવામાં આવેલ એક શોર્ટ પિચ બોલ ધવનના મોઢા પર આવીને લાગ્યો. તેણે હેલમેટ પહેર્યું હતું તેમ છતાં તેના હોઠ પર ઈજા થઈ અને લોહી પણ નીકળવા લાગ્યું. હાલમાં તેમની ઈજા ગંભીર નથી.



વિજય શંકર (ભારત): શુક્રવારે વિજય શંકર પણ પ્રેક્ટિસ મેચ દરમિયાન શોર્ટ બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેના હાથમાં ઈજા થઈ હતી. હાલમાં તેની ઈજા કેટલી ગંભીર છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.