વિરાટે આ ઉજવણી એવા સમયે કરી જ્યારે ભારતની ઇનિંગ્સમાં 16મી ઓવરના ત્રીજા બોલ પર કેસરિકે લૉન્ગ ઓન પર સિક્સર ફટકારી. કેસરિકે આ બોલ યૉર્કર નાંખવાનો પ્રયત્ન કર્યો હતો અને વિરાટના જબરદસ્ત જવાબથી નિરાશ હતો. આ સમયે વિરાટે પહેલાં એકદમ આરામથી બેટને ઘૂંટણે ટેકવ્યું અને ચિઠ્ઠી ફાડવાના અંદાજમાં ઉજવણી કરી. આપને જણાવી દઇએ કે આ પહેલાં તેણે કેસરિકના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. કેસરિકની આ ઓવરમાં બીજી એક સિક્સર પંતે ફટકારી હતી જ્યારે આ ઓવરમાં કુલ 23 રન થયા હતા.
વિરાટના દરેક સેલિબ્રેશનની પાછળ કોઇને કોઇ કારણ હોય છે. અહીં પણ એક ખાસ કારણ હતું. જો કે કોહલીએ કેસરિક વિલિયમ્સના એ ઉજવણીનો જવાબ આપ્યો હતો જ્યારે 2017મા ભારતીય કેપ્ટનને કેરેબિયન બોલરે 39 રનના સ્કોર પર આઉટ કર્યા બાદ ઉજવણી કરી હતી. મેચ બાદ જ્યારે કોહલીને એ જશ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ સીપીએલ સાથે જોડાયેલ નથી. અસલમાં આ જમૈકા હતું. કેસરિકે મને આઉટ કર્યા બાદ કંઇક આવી જ ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે જમૈકા ટી-20 ઇન્ટરનેશન મેચ દરમ્યાન વિલિયમ્સે કોહલીને 39ના સ્કોર પર આઉટ કરી દીધા હતા અને ચિઠ્ઠી ફાડવાના અંદાજમાં પોતાની ખુશી વ્યકત કરી હતી. વિરાટ કોહલી આ ભૂલ્યા ન હતા. ઇન્ડિટન ક્રિકેટ ટીમના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કરાયો છે.