નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ભારતીય ટીમ સામે હાર્યા બાદ પાકિસ્તાની ટીમ ડરમાં જીવી રહી છે. ત્યાં સુધી કે કેપ્ટન સરફરાજ એહમદે પોતાના સાથી ખેલાડીઓને ધમકી આપી છે કે હું એકલો પાકિસ્તાન નથી જવાનો. પાકિસ્તાનની જનતાનો ગુસ્સાનો સામનો તમામ ખેલાડી કરશે, ‘હું એકલો નહીં કરું.’ રસપ્રદ બાબત એ છે કે ભારતીય સુકાની વિરાટ કોહલીની વાર્ષિક સેલેરી પૂરી પાકિસ્તાની ટીમના તમામ ૩૨ ખેલાડીઓ કરતાં વધારે છે.

ભારતીય ટીમની સેલેરી બીસીસીઆઇ તરફથી તથા પાકિસ્તાની ખેલાડીઓની સેલેરી પીસીબી તરફથી આવે છે. સેલેરી માટે ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તેમાં A, B, C અને D એમ વિવિધ ગ્રેડ આપવામાં આવે છે.



બીસીસાઈના ગ્રેડ પ્રમાણે કોહલી એ-ગ્રેડમાં આવે છે અને તેની વાર્ષિક સેલેરી સાત કરોડ કરતાં વધારે છે. પાકિસ્તાનમાં કુલ પાંચ ગ્રેડ છે અને આ ગ્રેડના તમામ ૩૨ ખેલાડીઓની કુલ વાર્ષિક સેલેરી ભારતીય કરન્સીમાં માત્ર સાત કરોડ ૪૩ લાખ રૂપિયા થાય છે.

પાકિસ્તાનમાં એ-ગ્રેડના છ ખેલાડીઓને વાર્ષિક ૪૮ લાખ રૂપિયા મળે છે. આમ આ ગ્રેડની કુલ સેલેરી લગભગ ૨.૮૮ કરોડ રૂપિયા થાય છે. બી-ગ્રેડના છ ખેલાડીઓને વાર્ષિક ૩૦ લાખ (કુલ ૧.૮૦ કરોડ), સી-ગ્રેડના નવ ખેલાડીઓને ૨૧ લાખ (કુલ ૧.૮૯ કરોડ), ગ્રેડ-ડીના પાંચ ખેલાડીઓને ૧૨ લાખ રૂપિયા (કુલ ૬૦ લાખ) તથા ગ્રેડ-ઇના છ ખેલાડીઓને વાર્ષિક છ લાખ રૂપિયા (કુલ ૩૬ લાખ રૂપિયા) સેલેરી મળે છે. આમ સેલેરીના મામલે પણ ભારતનો પાકિસ્તાન ઉપર દબદબો રહ્યો છે.