નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડમાં જેવા પ્રદર્શનની આશા હતી તેવું પ્રદર્શન ન કરી શકી. ભારતીય ટીમે રોહિત શર્માની ગેરહાજરીમાં અને પોતાના સ્ટાર ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને કારણે વનડે સીરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમે પ્લેઇંગ ઈલેવન પસંદ કરવામાં પણ ચૂક કરી અને પરિણામ જે આવ્યું તે નિરાશાજનક રહ્યું.


ભારતીય ટીમની ત્રીજી મેચમાં હાર બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, જે રીતે આ સ્કોર અમે બનાવ્યો હતો અને ત્યાર બાદ જે મેચ રમાઈ એ એટલી ખરાબ ન હતી જેવી આશા રાખવામાં આવતી હતી. આમ તો વનડે સીરીઝમાં જે રીતે અમારા બેટ્સમેનોએ ખરાબ પરિસ્થિતિમાં પણ કમબેક કર્યું તે અમારા માટે સારું રહ્યં છે. જોકે અમે જે રીતે બોલિંગ અને ફિલ્ડિંગ કરી તે મેચ જીતવા માટે પુરતું ન હતું. વનડે સીરીઝમાં અમે જેવું પ્રદર્શન કર્યું તેનાથી જીત તો મળે એમ ન જ હતી. આમ તો અમે વધારે ખરાબ પણ નથી રમ્યા, પરંતુ અમે જે તકો મળી તેનો લાભ લેવામાં સફળ ન રહ્યા.

વિરાટ કોહલીએ આગળ કહ્યું કે, અમારી ટીમમાં જે નવા નવા ખેલાડીઓ આવ્યા તેમના માટે આ સારો અનુભવ રહ્યો. તે પોતાની જગ્યા શોધી રહ્યાં છે. વિરાટ કીવી ટીમની પ્રશંસા કરતા કહ્યું કે, ‘તે અમારા કરતા વધુ જુસ્સા સાથે રમ્યા. તે આ સીરિઝને 3-0થી જીતવાના પૂરા હકદાર હતા.’

હવે 2 ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે ત્યારે વિરાટ કોહલીએ કહ્યું કે, હવે અમે ટેસ્ટ માટે ઉત્સાહિત છીએ. અમારી પાસે હવે એક સંતુલિત ટીમ છે. અમને લાગે છે કે, અમે અહીં ટેસ્ટ સીરિઝ જીતી શકીએ છીએ પણ તેના માટે અમારે મેદાન પર સકારાત્મકમ અભિગમ સાથે ઉતરવું પડશે.