નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ભાજપ તરફથી મળેલ લોકસભા ચૂંટણી લડવાની ઓફર ફગાવી દીધી છે. સેહવાગે વ્યક્તિગત કારણોસર ભાજપની આ ઓફર નકારી દીધી છે. દિલ્હીના એક વરિષ્ઠ નેતાએ આ જાણકારી આપી છે.
ભાજપના એક નેતાએ જણાવ્યું કે સેહવાગનું નામ પશ્ચિમ દિલ્હીની સીટ માટે ચાલી રહ્યું હતુ, જેના પર અત્યારે ભાજપનાં પ્રવેશ વર્મા સાંસદ છે. જો કે સેહવાગે વ્યક્તિગત કારણો આગળ ધરીને ચૂંટણી લડવાનાં પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે, “સેહવાગે કહ્યું કે તે રાજનીતિ અથવા ચૂંટણી લડવામાં રસ નથી રાખતા.”
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં એવા સમાચાર આવ્યા હતા કે સેહવાગ ભાજપની ટિકિટ પર હરિયાણામાં રોહતકથી ચૂંટણી લડશે. જો કે ભારતીય ક્રિકેટ ટીમનાં આ પૂર્વ સ્ટાર બેટ્સમેને ટ્વિટર પર કહ્યું હતુ કે, ‘કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. જેમ કે આ પ્રકારની અફવાઓ. 2014માં પણ આવુ થયું હતુ અને 2019ની અફવામાં પણ કંઇ નવુ નથી. ના તો ત્યારે રસ હતો, ના અત્યારે. વાત પૂરી.’