ભારતના નીરજ ચોપરાએ અમેરિકાના યુજેનમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. તેણે જેવલિન થ્રો ઈવેન્ટમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બની ગયો છે. તેના પહેલા અંજુ બોબી જ્યોર્જે 2003માં લાંબી કૂદ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ નીરજે તેનાથી એક ડગલું આગળ વધીને સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજે પહેલા જ થ્રોમાં 88.39 મીટર દૂર ભાલો ફેંકીને ભાલા ફેંક ક્વોલિફાયરમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ક્વોલિફિકેશન ગ્રુપ-એમાં તે પ્રથમ અને એકંદરે બીજા ક્રમે હતો. વર્લ્ડ ચેમ્પિયનની ફાઇનલમાં એન્ડરસન પીટર્સે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 90.46 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.






નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની જેવેલીન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ ચૂકી ગયો. તેણે 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. એન્ડરસન પીટર્સ નંબર વન પર હતો. પીટર્સે તેના છમાંથી ત્રણ પ્રયાસોમાં 90 મીટર સુધી ભાલો ફેંક્યો હતો. તે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો છે. એકંદરે આ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર તે બીજો ભારતીય ખેલાડી છે.







નીરજે અહીં ફાઉલ થ્રો સાથે શરૂઆત કરી અને બીજા પ્રયાસમાં 82.39 મીટરનો સ્કોર કર્યો. બાદમાં નીરજે ત્રીજા પ્રયાસમાં 86.37 મીટર થ્રો કરીને ચોથો ક્રમ હાંસલ કર્યો હતો અને ચોથા પ્રયાસમાં તેણે 88.13 મીટર થ્રો કરીને બીજું સ્થાન મેળવ્યું હતુ. નીરજનો પાંચમો અને છેલ્લો પ્રયાસ ફાઉલ હતો.


પીટર્સે પ્રથમ રાઉન્ડમાં 90.21 મીટર, બીજા રાઉન્ડમાં 90.46 મીટર, ત્રીજા રાઉન્ડમાં 87.21 મીટર અને ચોથા રાઉન્ડમાં 88.12 મીટર ભાલો ફેંક્યો હતો. તેના છેલ્લા રાઉન્ડમાં તેણે 90.54 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.