નવી દિલ્હી: વર્લ્ડકપ વિજેતા ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને WWE ચેમ્પિયનશિપ બેલ્ટ આપવામાં આવ્યો છે. પ્રથમ વખત વર્લ્ડકપ જીતવા પર ઇંગ્લેન્ડની ટીમને WWE સુપરસ્ટાર ટ્રિપલ એચે WWE ચેમ્પિયનશિપ બેલ્ટ આપવાનો વાયદો કર્યો હતો.

ઇંગ્લેન્ડ ક્રિકેટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેની તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં વિજેતા ટીમના ખેલાડી જોફ્રા આર્ચર, જેસન રૉય, જૉસ બટલર, જૉની બેરસ્ટો અને જો રૂટ ચેમ્પિયનશિપ બેલ્ટ સાથે નજર આવી રહ્યા છે.


ટ્રિપલ એચ એ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, એક અવિશ્વસનીય ટૂર્નામેન્ટ, રોમાન્ચક ફાઈનલ અને યોગ્ય ચેમ્પિયન ટીમ. આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2019 જીતવા માટે ઇંગ્લેન્ડ ક્રિકેટને અભિનંદન.


ઇંગ્લેન્ડની ટીમ હાલ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચોની એશિઝ સીરીઝ રમી રહી છે. હાલમાં આ સીરીઝ 1-1 થી બરાબરી પર છે. બન્ને ટીમો હવે 4 સપ્ટેમ્બરથી ચોથી ટેસ્ટ રમશે.