નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ ટીમો નક્કી થઇ ગઇ છે. વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલ નવ જૂલાઇના રોજ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે માંન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં  રમાશે. આ એ જ મેદાન છે જેના પર તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હાર આપી હતી. આ મેદાન પર ભારતનો ઓવરઓલ રેકોર્ડ 50-50 છે. વર્લ્ડકપની વાત કરવામા આવે તો ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં સાત સેમિફાઇનલ મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે જ્યારે ન્યૂઝિલેન્ડે 8 સેમિફાઇનલ મેચોમાંથી ફક્ત એકમાં જીત મેળવી છે.

ભારતે ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ એક જ મેચ રમી છે. 1975માં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. કુલ મળીને ભારતે આ મેદાન પર કુલ 10 મેચ રમી છે જેમાંથી ટીમ ઇન્ડિયાએ પાંચ મેચ  જીતી છે અને પાંચમાં  હાર મળી છે.

ભારતનો આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર પાકિસ્તાન વિરુદ્ધ આ વર્લ્ડકપમાં બન્યો હતો. ભારતીય ટીમે પાંચ વિકેટ પર 336 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતને ડકવર્થ લૂઇસ નિયમ અનુસાર, 89 રનથી જીત મળી હતી. જ્યારે ભારતનો સૌથી ઓછો સ્કોર 191 રન છે.