નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અને તેમના પરિવાર પર ઘરેલું હિંસાનો આરોપ લાગ્યો હતો. યુવરાજસિંહના પરિવારે હવે જણાવ્યું છે કે આ કેસનો ઉકેલ આવી ગયો છે અને આ મામલામાં ક્રિકેટરનું નામ દુર્ભાવનાપૂર્ણ કારણોથી લેવામાં આવ્યુ હતું. યુવરાજના પરિવારે કહ્યું કે આરોપીની માફી માંગ્યા બાદ તાજેતરમાં જ આ કેસનો ઉકેલ લાવી દેવાયો છે.
પરિવારે કહ્યું કે, યુવરાજ સિંહ હવે રાહતના શ્વાસ લઇ શકે છે. યુવરાજસિંહના ભાઇ જોરાવરથી અલગ રહેતી તેની પત્ની આકાંક્ષા શર્માએ યુવરાજસિંહ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. ચાર મહિનાનાની કાયદાકીય લડાઇ બાદ આકાંક્ષા અને જોરાવર વચ્ચે આ મહિને ડિવોર્સ થયા હતા. આકાંક્ષાએ યુવરાજ અને તેના પરિવાર વિરુદ્ધ ખોટા આરોપ લગાવ્યા બાદ માફી માંગી લીધી હતી. યુવરાજ સિંહના પરિવારે એક નિવેદનમાં કહ્યું કે, પોતાના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે કોઇ રસ્તો ના હોવાના કારણે આકાંક્ષા શર્માએ માફી માંગી લીધી છે અને સ્વીકાર કર્યો હતો કે તેમના આરોપ ખોટા હતા. તેમણે આ આરોપો પાછા ખેંચી લીધા છે. આકાંક્ષાએ ગુરુગ્રામની કોર્ટમાં ઓક્ટોબર 2017માં ઘરેલુ હિંસાનો કેસ નોઁધાવ્યો હતો. જેમાં યુવરાજસિંહ અને તેમની માતા શબનમને આરોપી બનાવ્યા હતા.