નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ અને ઇંગ્લેન્ડનો દિગ્ગજ ખેલાડી અને ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર એકબીજાની સામ-સામે આવી ગયા છે. મુદ્દો ક્રિકેટ નહીં પણ બીજો છે.


મૂળે, આ ઘટના ઈંગ્લિશ પ્રીમિયર લીગ સાથે જોડાયેલી છે, જેમાં બંને ખેલાડી અલગ-અલગ ટીમોને પસંદ કરે છે.  ફુટબોલની સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત લીગ ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં હાલમાં માનચેસ્ટર યૂનાઇટેડને ન્યૂકાસલની વિરુદ્ધ થયેલા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ન્યૂકાસલે 1-0થી જોરદાર જીત નોંધાવી. આ મેચ બાદ માનચેસ્ટર યૂનાઇટેડ રેલીગેશન ઝોનમાં પહોંચવાથી પહેલા બે જ પોઇન્ટ ઉપર છે. ત્યાં સુધી કે ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં હાલમાં ચર્ચાનો સૌથી મોટો મુદ્દો આ જ છે કે માનચેસ્ટરનું પ્રદર્શન આટલું ખરાબ કેવી રીતે થઈ ગયું. આ ટીમના પ્રદર્શન વિશે હવે યુવરાજ સિંહ અને કેવિન પીટરસન પણ સામ-સામે આવી ગયા છે.



ઓલ્ડ ટ્રેફર્ડની ટીમ માનચેસ્ટર યૂનાઇટેડે રેકોર્ડ 20 ખિતાબ જીત્યા છે અને હાલ પોઇન્ટ ટેબલમાં 12માં સ્થાને છે. આ સીઝનમાં માનચેસ્ટર યૂનાઇટેડે શરૂઆતની આઠમાંથી બે જ મેચ જીતી છે, જ્યારે ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. માનચેસ્ટર યૂનાઇટેડની હાર બાદ યુવરાજે ટીમનો ઉત્સાહ વધારવા માટે ટ્વીટ કર્યુ અને લખ્યું કે મુશ્કેલ સમય હંમેશા રહેતો નથી, પરંતુ મુશ્કેલ સામે લડનારા હંમેશા કાયમ રહે છે. યુવીના આ ટ્વીટ પર કટાક્ષ કરતાં કેવિન પીટરસને ટ્વિટ કર્યુ કે માનચેસ્ટર યૂનાઇટેડમાં કોઈ પણ મજબૂત ખેલાડી નથી.


યુવરાજ સિંહે પોતાના ટ્વિટમાં માનચેસ્ટર યૂનાઇટેડને ટૅગ કર્યુ છે તો બીજી તરફ, પીટરસને માનચેસ્ટર યૂનાઇટેડન અને માનચેસ્ટર સિટીને સીધો જવાબ આપ્યો છે. જોકે, માનચેસ્ટર યૂનાઇટેડની જેમ માનચેસ્ટર સિટીનું પ્રદર્શન એટલું ખરાબ નથી રહ્યું. પરંતુ ટીમને પોતાની પાછલી મેચમાં વૉલવરહૈંપટન વાંર્ડર્સની સામે હારનો સામનો કરવો પડ્યો છે.