નવી દિલ્હીઃ કોઈ વિદેશી ટી20 લીગમાં રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ ગુરુવારે ગ્લોબલ ટી20 લીગ કેનેડાના પ્રથમ મેચમાં સારું પ્રદર્શન ન કરી શક્યા. 10 જૂનના રોજ યુવરાજ સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી જાહેર કરી હતી. ત્યાર બાદ બીસીસીઆઈ પાસે વિદેશી ટી20 લીગ્સમાં ભાગ લેવાની મંજૂરી માગી હતી. બોર્ડે તેને મંજૂરી આપી હતી. ટોરન્ટો નેશનલ્સ ટીમે યુવરાજને પોતાની ટીમમાં સામેલ કરવાની સાથે સાથે તેના હાથમાં ટીમની કમાન પણ સોંપી હતી.


એક સમયે સિક્સર કિંગ કહેવાતા યુવરાજમાં હવે પહેલા જેવો દમ નથી રહ્યો. મેચ દરમિયાન બોલર તરફથી ફેંકાયેલા બોલને તે પોતાના બેટથી સરખી રીતે ફટકારી શકવામાં પણ મહેનત કરી રહ્યો હતો. યુવરાજસિંહ અનેક વખત મોટા શૉટ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ તેના બેટમાં જ આવ્યો ન હતો. અંતે યુવરાજસિંહ રિઝવાન ચીમાના બોલમાં સ્ટમ્પ આઉટ થયો હતો. જોકે, રિપ્લેમાં માલુમ પડ્યું હતું કે તે નોટઆઉટ હતો. પોતાની નાની રમત દરમિયાન યુવરાજની કમરમાં પણ ઈજા પહોંચી હતી.

યુવરાજ આઉટ થયા બાદ કાયરન પોલાર્ડ અને હેનરિચ ક્લાસેને ઝડપથી રન બનાવ્યા હતા અને 20 ઓવરના અંતે ટીમનો સ્કોર 159 રન સુધી પહોંચાડ્યો હતો. ક્લાસેને 20 બોલમાં 41, જ્યારે પોલાર્ડે 13 હોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. આ બંને ઉપરાંત રોડ્રિગો થોમસે પણ 31 બોલમાં 41 રન બનાવ્યા હતા. પોલાર્ડ, ક્લાસેન અને થોમસે મળીને 10 છગ્ગા ફટકાર્યા હતા.