નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ છેલ્લા થોડા વર્ષોથી તેની કરિયરને લઈ ઘણા નિવેદન આપી રહ્યોચે. ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યા બાદ તેણે યો-યો ટેસ્ટને લઈ સિલેકટર્સને નિશાન બનાવ્યા હતા. હવે તેણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

યુવરાજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેને એમએસ ધોની અને વિરાટ કોહલી પાસેથી પૂરતો સપોર્ટ મળ્યો નહોતો. સૌરવ ગાંગુલીએ મને પૂરી આઝાદી આપી હતી.  જ્યારે તેને સવાલ પૂછવામાં આવ્યું કે ધોની અને ગાંગુલીમાંથી કોની કેપ્ટનશિપ પસંદ છે? તેણે કહ્યું, મને સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપ વધારે પસંદ છે.

38 વર્ષીય આ ખેલાડી 2007 ટી20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપનો હીરો રહી ચુક્યો છે. 2011ના વર્લ્ડકપમાં તે મેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. વર્ષ 2000માં ડેબ્યૂ કરનારા આ ક્રિકેટરે 40 ટેસ્ટ, 58 ટી20, 304 વન ડે રમ્યો છે. જેમાં કુલ મળીને 14,064 રન બનાવ્યા છે અને 148 વિકેટ લીધી છે.



2011ના વર્લ્ડકપ દરમિયાન તેને કેન્સરનું નિદાન થયું હતું તેમ છતાં તે રમતો રહ્યો અને ટુર્નામેન્ટ પૂરી થયા બાદ સારવાર કરાવવા જતો રહ્યો હતો. 18 મહિના બાદ ક્રિકેટમાં વાપસી કરી હતી પરંતુ ખાસ દેખાવ કરી શક્યો નહોતો.

થોડા દિવસો પહેલા પીએમ મોદીએ ભારતીય ટીમના બે પૂર્વ ખેલાડીઓ યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફને યાદ કરીને કહ્યું, વધુ એક મોટી પાર્ટનરશિપની જરૂર છે. યુવરાજ અને કૈફની જોડીએ 2002માં લોર્ડસમાં રમાયેલી નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ સહિત અનેક મોકા પર ટીમ ઈન્ડિયાને તેમની પાર્ટનરશિપ દ્વારા જીત અપાવી હતી. બંને ખેલાડીઓને અપીલ કરતાં પીએમ મોદીએ કહ્યું, આ એક વધુ પાર્ટનરશિપનો સમય છે. હાલ સમગ્ર ઈન્ડિયાએ કોરોના વાયરસ સામે લડવા માટે પાર્ટનરશિપ કરવી જોઈએ.

યુવરાજ અને કૈફીની જોડીએ 2002માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલમાં ભારતીય ટીમને ઐતિહાસિક જીત આપવી હતી. 326 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન ઉતરેલી ભારતીય ટીમે 146 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધા બાદ ભારતની હાર નિશ્ચિત જણાતી હતી. ત્યારે યુવરાજ અને કૈફીની જોડીએ છઠ્ઠી વિરેટ માટે 121 રનની પાર્ટનરશિપ કરી હતી. યુવરાજ સિંહ 69 રન બનાવી આઉટ થયો હતો પણ કૈફે અણનમ 87 રનની ઈનિંગ રમી ભારતને અકલ્પનીય જીત અપાવી હતી.