જાસૂસી મામલામાં WhatsAppનું નિવેદન, કહ્યું-અમે સરકારને મે મહિનામાં આપી હતી જાણકારી
abpasmita.in | 02 Nov 2019 12:41 PM (IST)
સૂત્રોના મતે સરકાર દુર્ભાવનાપૂર્ણ સંદેશાઓની સામગ્રીના બદલે તેના સ્ત્રોત જાણવા પર ભાર મુકશે
નવી દિલ્હીઃ વોટ્સએપ (WhatsApp) મારફતે જાસૂસી કરવાના રિપોર્ટે તમામ યુઝર્સને ચિંતામાં નાખી દીધા છે. ગુરુવારે વોટ્સએપે કહ્યું હતું કે ઇઝરાયલની સાઇબર ઇન્ટેલિજન્સ કંપની NSO એ પોતાના સ્પાઇવેર પેગાસસનો ઉપયોગ કર્યો છે અને મે મહિનામાં અનેક પત્રકારો, વકીલો અને માનવાધિકાર કાર્યકર્તોઓની જાસૂસી કરી હતી. આ સંબંધમાં જાસૂસીનો શિકાર લોકોને સૂચના આપી દેવામાં આવી છે. જેને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારે ચાર નવેમ્બર સુધી વોટ્સએપ પાસે આ મામલે જવાબ માંગ્યો છે. સાથે ચિંતા વ્યક્ત કરી હતી કે વોટ્સએપ સાથે જૂન મહિનાથી લઇને આ અંગે અનેકવાર વાતચીત થઇ હતી પરંતુ કંપનીએ એકપણ વખત પેગાસસ હેકિંગ ઘટનાનો ઉલ્લેખ કર્યો નહોતો. જોકે, કંપનીનું કહેવું છે કે મે મહિનામાં જ સરકારને આ અંગેની જાણકારી આપી દેવાઇ હતી. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે સવાલ ઉઠાવ્યો હતો કે આ વોટ્સએપ સંદેશાઓને સ્ત્રોની જાણકારી અને જવાબદારી નક્કી કરવા માટે કોઇ પગલા ઉઠાવવા માટે સરકારને રોકવા માટે કંપનીનો કોઇ અડંગા જેવી ચાલ તો નથી ને. સરકાર હેકિંગ મામલાના ખુલાસાના સમયને લઇને સવાલ કરી રહી છે. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે દેશમાં સોશિયલ મીડિયાના દુરુપયોગને રોકવાના ઉપાયો માટે સુપ્રીમ કોર્ટ પાસે ત્રણ મહિનાનો સમય માંગ્યો છે. સૂત્રોના મતે સરકાર દુર્ભાવનાપૂર્ણ સંદેશાઓની સામગ્રીના બદલે તેના સ્ત્રોત જાણવા પર ભાર મુકશે. દુનિયાભરમાં વોટ્સએપના દોઢ અબજથી વધુ યુઝર્સ છે. જેમાં ફક્ત ભારતમાં જ લગભગ 40 કરોડ યુઝર્સ છે.