કંપનીએ કહ્યું કે, તેને એજીઆરની બાકી રકમ ચૂકવવામાં સક્ષમ બનવા તથા તેના કારોબારનું ઓપરેશન યોગ્ય રીતે કરવા માટે એક એપ્રિલથી આ નવા દર લાગુ કરવા જોઈએ. સત્તાવાર સૂત્રો અનુસાર, કંપનીએ એજીઆરની ચૂકવણી માટે 18 વર્ષની સમયમર્યાદાની માગ કરી છે. તેની સાથે જ કંપનીએ કહ્યું કે, તેને વ્યાજ અને દંડની ચૂકવણીમાં પણ ત્રણ વર્ષની છૂટ મળવી જોઈએ.
હાઈકોર્ટના આદેશ અનુસાર વોડાફોન આઈડિયા ઉપર 53 હજાર કરોડ રૂપિયાના AGR બાકી છે. કંપનીએ અત્યાર સુધીમાં માત્ર 3500 કરોડ રૂપિયા જ ચૂકવ્યા છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ‘વોડાફોન આઈડિયાએ માર્કેટમાં રહેવા માટે સરકાર સામે અનેક માંગણીઓ મૂકી છે. કંપની ઈચ્છે છે કે એક એપ્રિલ 2020થી મોબાઈલ ડેટા ચાર્જ ન્યૂનતમ 35 રૂપિયા પ્રતિ જીબી તથા ન્યૂનતમ 50 રૂપિયા માસિક કનેક્શન ચાર્જ નક્કી કરે. આ માંગણીઓ સરકાર માન્ય રાખે તેની શક્યતા ઓછી છે.’
સૂત્રોના જણાવ્યા અનુસાર કોલ સેવા માટે લઘુતમ છ પૈસા પ્રતિ મિનિટ ચાર્જ નક્કી કરવા જોઈએ. કંપની આ માંગણી એવા સમયે કરી છે જ્યારે તેઓ છેલ્લા 3 મહિનાની અંદર મોબાઈલ સેવાના દરોમાં 50 ટકાનો વધારો કરી ચૂકી છે. સૂત્રોનું કહેવું છે, ‘મોબાઈલ કોલ અને ડેટાના ચાર્જ વધારવાતથી કંપનીની આવકમાં વધારો થશે.’