Hu to Bolish | હું તો બોલીશ | હવે હૉસ્પિટલ પણ નકલી
નકલી કચેરી, નકલી ટોલનાકું, નકલી શાળા બાદ હવે નકલી વસ્તુઓમાં સામે આવવાનો વારો આવ્યો છે નકલી હૉસ્પિટલનો. અમદાવાદના બાવળા પાસેનું કેરાલા ગામ જ્યાં આખે આખી નકલી મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ ઝડપાઈ. આ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ ગેરકાયદેસર પણ ચાલતી હતી અને તેમાં ડોક્ટર પણ હતા નકલી. આ વાતનો ખુલાસો ત્યારે થયો. જ્યારે એક બાળકીના મોતનો વીડિયો વાયરલ થયો. વીડિયોમાં બાળકીના પરિવારજનો લગાવી રહ્યા છે આરોપ કે, દીકરીને સવારે દાખલ કરાઈ... અને રાતે તેનું મોત થયું. પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો કે, સારવાર માટે તબીબોએ દોઢ લાખ રૂપિયાની માગ કરી. વીડિયો વાયરલ થતાં જ અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે ઘટનાસ્થળે જઈ તપાસ કરી. તપાસમાં ખુલ્યું કે, છેલ્લા 2 મહિનાથી આ ગેરકાયદે હોસ્પિટલ ચાલતી હતી. ડો.મનીષા અલમેરિયા નામની વ્યક્તિના નામે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન હતું. જ્યારે મેહુલ ચાવડા નામનો નોન મેડિકલ વ્યક્તિ હોસ્પિટલ ચલાવતો. હોસ્પિટલમાં મેડીકલ સ્ટોર પણ હતું. પરંતુ ફાર્મસીનું કોઈ રજિસ્ટ્રેશન નહોતું કરાવેલું. કૂલ મળીને આ આખી હોસ્પિટલ નિયમો વગર ગેરકાયદે રીતે ચાલતી હતી. આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી ત્યારે એક પણ અધિકૃત ડોક્ટર કે કર્મચારી ન હતો. દર્દીઓને ડોક્ટરના નામ પૂછવામાં આવતા તેઓ જાણતા ન હતા. આ હૉસ્પિટલને હાલ સીલ મારવામાં આવી છે. આ હોસ્પિટલમાં ઝોલાછાપ ડોક્ટરો બાળકોની, આંખ, કાન, નાક, દાંત, ચામડીના અને સ્ત્રીરોગોની સારવાર કરતા હતા.