Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકો છૂમંતર?
શિક્ષણ વિભાગની લાલીયાવાડીના આ ચાર દ્રશ્યો.. બે બનાસકાંઠા તો એક ખેડા અને એક મહેસાણા જિલ્લાના એ ચાર શિક્ષકો છે. જે છેલ્લા ઘણા સમયથી વિદેશમાં સ્થાયી થયા છે. તો કચ્છના માંડવી તાલુકાના શિરવા ગામના શિક્ષિકા છે . જે મન હોય તો જ સ્કૂલે આવે છે.. આ શિક્ષિકાને ત્રણ વર્ષથી સ્કૂલે આવવાનું મન જ નથી થયું. સૌ પ્રથમ વાત કરીએ બનાસકાંઠાના પાંછા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષિકા ભાવનાબેન પટેલ વર્ષોથી વિદેશમાં થયા છે સ્થાયી. છતા તેમની નોકરી હજુ પણ પ્રાથમિક શાળામાં જ ચાલુ છે. ઈન્ચાર્જ આચાર્યએ દાવો કર્યો કે ભાવનાબેન અંગે શિક્ષણાધિકારી, શિક્ષણ વિભાગને અરજી કરી. છતા હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. તો ડીઈઓ નોટિસ આપવાનો દાવો કર્યો..બીજો બનાવ બનાસકાંઠાના વાવના ઉંચપા પ્રાથમિક શાળાનો. શિક્ષકનું નામ દર્શન અંબાલાલ પટેલ.. શિક્ષક અંબાલાલ પટેલ 10 નવેમ્બર 2022થી શાળાએ જ નથી આવ્યા. કેનેડામાં સ્થાયી થયા હોવાની માહિતી છે. પરંતુ શાળાએ રજા મંજૂર ન કર્યા છતા તેઓ બે વર્ષથી શાળાએ હાજર જ નથી થયા. જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી શિક્ષક દર્શન પટેલને ત્રણ નોટિસ પણ ફટકારવામાં આવી છે.. બનાસકાંઠા બાદ વાત મહેસાણા જિલ્લાની કરીએ. કડી તાલુકાના રણછોડપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા કવિતા દાસ છેલ્લા નવ મહિનાથી શાળાએ આવ્યા જ નથી. કવિતા દાસ છેલ્લા નવ મહિનાથી વિદેશ હોવાની માહિતી છે. જો કે શાળાએ કવિતા દાસના ગેર હાજર રહેવાની વાત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરી છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પણ આવી જ શાળામાં શિક્ષિકા વિદેશમાં લીલાલહેર કરી રહ્યા છે. નડીયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે. સોનલબેનની હિંમત તો જુઓ વિદેશ જતા પહેલા ન તો તેમણે શિક્ષણ વિભાગ પાસેથી કોઈ એનઓસી લીધી.. ન તો કોઈને જાણ કરી. બસ 1 સપ્ટેમ્બર 2023થી પ્રશાસનને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર સોનલબેન પરમાર સ્કૂલે હાજર જ નથી થયા. હવે વાત કરીએ કચ્છની. માંડવીના શિરવા ગામની પ્રાથમિક શાળામાં નીતાબેન પટેલ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જે છેલ્લા ત્રણ વર્ષથી સ્કૂલે આવ્યા જ નથી શિક્ષિકાને યોગ્ય લાગે તો શાળાએ આવે અને કલાક-બે કલાક રહી પોતાની મરજી મુજબ ચાલ્યા જાય છે. શિક્ષિકાની મનમાની લઈને અનેક વાલીઓએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી. શિક્ષિકાની ગેરહાજરી સંદર્ભે જિલ્લા કેળવણી નિરીક્ષક, તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સુધી વાલીઓ રજૂઆત કરી ચૂક્યા છે. જોકે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.